શું PM પદ ઝૂંટવાયા પછી ઈમરાન ખાનને જેલમાં પણ જવું પડશે, જાણો કોણ બનશે પાકિસ્તાનના નવા PM?

ઈમરાન ખાનની પાકિસ્તાનની સત્તામાં રહેવાની કોશિશોને ફરી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને નકારવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવીને રદ કર્યો છે. કોર્ટે 9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવ કરાવવાનો આદેશ આપ્યો છે.

કોર્ટના આ નિર્ણયથી ઈમરાનની ખુરશી જવી લગભગ નક્કી છે. તેનો લાભ વિપક્ષને થશે, જેની પાસે સત્તા પર આવવાનો મોકો છે. વિપક્ષ સત્તામાં આવ્યા પર ઈમરાન પર ભ્રષ્ટાચારનો કેસ ચલાવીને જેલમાં મોકલવામાં આવે એવી સંભાવના છે.

એવામાં ચાલો જાણીએ કે આખરે 9 એપ્રિલે પાકિસ્તાનની રાજનીતિમાં શું થશે? ઈમરાન ખાનની પાસે હશે કયા વિકલ્પ? સત્તાના અંતિમ દિવસે શું-શું કરી શકે છે ઈમરાન? પાકિસ્તાનમાં 9 એપ્રિલ પછી શું થશે?

સૌપ્રથમ પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગની પ્રક્રિયા જાણો

  • પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં 9 એપ્રિલ એટલે કે શનિવારે વડાપ્રધાન ઈમરાન ખાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ઓપન વોટ દ્વારા વોટિંગ થશે.
  • અવિશ્વાસ પ્રસ્તાવ અગાઉ સદનમાં ઘંટી વગાડવામાં આવશે કે જેથી તમામ સભ્યો સમયસર સદનમાં હાજર રહે. તેના પછી સદનના દરવાજા બંધ કરી દેવાશે.
  • નેશનલ એસેમ્બ્લીમાં આઈઝ એટલે કે સમર્થન અને નોઝ એટલે વિરોધની બે લોબી બનેલી હશે. એટલે કે જે સાંસદ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરશે તેઓ આઈઝ લોબીના ગેટની તરફ ચાલ્યા જશે. અહીં એસેમ્બ્લીનો સ્ટાફ તેમના નામ પર ટિક કરીને તેમની સાઈન લેશે. આ રીતે નોઝવાળી લોબીમાં વિરોધ કરનારાઓના વોટ લેવામાં આવશે.
  • નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ પ્રક્રિયા પૂરી થયા પછી તમામ સભ્ય એસેમ્બ્લીમાં ફરી આવશે અને મતોની ગણતરી પછી સ્પીકર પરિણામોની ઘોષણા કરશે.
  • જો વડાપ્રધાન ઈમરાન ખાનની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સફળ થઈ જાય છે તો સ્પીકર લેખિતમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિને સૂચિત કરશે અને સચિવની તરફથી એક નોટિફિકેશન જારી થશે.

સુપ્રીમ કોર્ટે કેવી રીતે ઈમરાનની આશા પર ફેરવ્યું પાણી

પાકિસ્તાની સુપ્રીમ કોર્ટની પાંચ જજોની પીઠે એકમતથી વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને નકારવાના ડેપ્યુટી સ્પીકરના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો.

  • ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કહ્યું કે નેશનલ એસેમ્બ્લીના ડેપ્યુટી સ્પીકર કાસિમ ખાન સૂરીના 3 એપ્રિલે આપ્યો અવિશ્વાસ પ્રસ્તાવને નકારવાનો નિર્ણય ખોટો હતો.
  • કાસિમ સૂરીએ અવિશ્વાસ પ્રસ્તાવને વિદેશી ષડયંત્ર સાથે જોડાયેલા હોવાનો હવાલો આપતા નકારી દીધો હતો. તેના પછી વડાપ્રધાન ઈમરાન ખાનની સલાહ પર રાષ્ટ્રપતિ આરિફ અલવીએ નેશનલ એસેમ્બ્લીને ભંગ કરી દીધી હતી.
  • આ સાથે જ સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ આરિફ અલવીના નેશનલ એસેમ્બ્લીને ભંગ કરવાના નિર્ણયને પણ ગેરકાયદે ગણાવીને એસેમ્બ્લીને ફરી યથાવત્ કરવાનો આદેશ આપ્યો છે.
  • સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાક. બંધારણના આર્ટિકલ 58ના અનુસાર, સરકારની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયા પછી નેશનલ એસેમ્બ્લીને ભંગ ન કરી શકાય.
  • કોર્ટે નેશનલ એસેમ્બ્લીને ફરીથી યથાવત્ કરતા 9 એપ્રિલને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાનો આદેશ આપ્યો.

9 એપ્રિલે અવિશ્વાસ પ્રસ્તાવમાં શું હોઈ શકે છે ?

સુપ્રીમ કોર્ટના આદેશ પછી હવે પાકિસ્તાનની નેશનલ એસેમ્બ્લીમાં ઈમરાન ખાનની વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર શનિવારે એટલે કે 9 એપ્રિલે સવારે 10 વાગ્યાથી વોટિંગ થશે.

  • 342 સભ્યોની નેશનલ એસેમ્બ્લીમાં બહુમતી સાબિત કરવા માટે 172 સભ્યોનું સમર્થન જરૂરી છે.
  • 2018માં સહયોગી પાર્ટીઓની સાથે સરકારની રચના સમયે ઈમરાન ખાનની પાસે 179 સાંસદોનું સમર્થન હતું, જેમાં ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ એટલે કે પીટીઆઈના 155 સભ્ય હતા.
  • ઈમરાનની પાર્ટી પાકિસ્તાન-તહરીક-ઈન્સાફના એક ડઝન સભ્યોનો બળવો અને હાલમાં જ સહયોગી દળ MQM-Pના સમર્થન પરત લેવાથી ઈમરાનની પાસે હવે 164 સભ્યો રહી ગયા છે અને તે બહુમતીના આંકડા 172થી દૂર થઈ ગયા છે.
  • એવું મનાય છે કે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવા પર ઈમરાન ખાનની હાર નક્કી છે.
  • અવિશ્વાસ પ્રસ્તાવમાં હારવા કે બહુમતી સાબિત ન કરી શકવાથી ઈમરાનની પાસે પીએમ પદેથી રાજીનામું આપ્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં હોય.
  • જો એવું બને છે, તો ઈમરાન ખાન અવિશ્વાસ પ્રસ્તાવથી હટાવવામાં આવનારા પ્રથમ પાકિસ્તાની પીએમ હશે.
  • આ અગાઉ બે વાર પાક. પીએમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો પણ બંને વખતે વોટિંગ અગાઉ જ પીએમએ રાજીનામું આપી દીધેલું.

જો ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય છે તો શું થશે ?

  • જો ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવ હારી જાય છે, ત્યારે પણ એસેમ્બ્લી ઓગસ્ટ 2023 સુધી એટલે કે પોતાના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થવા સુધી રહી શકે છે. ઓગસ્ટ 2023 પછી 60 દિવસની અંદર ચૂંટણી કરાવવી પડશે.
  • ઈમરાનના હાર્યા પછી નેશનલ એસેમ્બ્લીમાં નવા વડાપ્રધાનની ચૂંટણી માટે વોટિંગ થશે, જે ઓગસ્ટ 2023 સુધી એટલે કે સદનના બાકીના કાર્યકાળ માટે પીએમ પદ પર રહી શકે છે.
  • નવા પીએમ ચૂંટવા માટે વોટિંગ થવા પર શહબાઝ શરીફ જ પીએમ બનશે, કેમકે વિપક્ષે તેમને પોતાના નેતા ચૂંટી લીધા છે.
  • પીએમ પદની ઉમેદવારી માટે એેસેમ્બ્લીમાં કોઈ પણ પાર્ટી પોતાના કેન્ડિડેટનું નામ આગળ કરી શકે છે. આ રેસમાં શહબાઝ શરીફ સૌથી આગળ છે.
  • નવા પીએમ એસેમ્બ્લીનો કાર્યકાળ પૂરો થાય એટલે કે ઓગસ્ટ 2023 સુધી પદ પર રહી શકે છે કે તેના અગાઉ જ તુરંત જ સામાન્ય ચૂંટણી કરાવી શકે છે.

ઈમરાન અવિશ્વાસ પ્રસ્તાવ અગાઉ આપી શકે છે રાજીનામું

ઈમરાન ખાનની પાસે એક વિકલ્પ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ અગાઉ જ રાજીનામું આપવાનો રહેશે. અવિશ્વાસ પ્રસ્તાવ હારીને રાજીનામું આપવાની શરમજનક અવસ્થાથી બચવા માટે ઈમરાન વોટિંગ અગાઉ જ રાજીનામું આપી શકે છે.

ઈમરાન માર્ચના પ્રથમ સપ્તાહમાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવથી અલગ અલગ રીતોથી બચતા રહ્યા છે, જેમાં અવિશ્વાસ પ્રસ્તાવને નકારીને એસેમ્બ્લી ભંગ કરવી પણ સામેલ છે.

હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગમાં હારે તો ઈમરાનની પાસે પીએમ પદ છોડવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નહીં બચે.

પીએમની ખુરશી ગયા પછી ઈમરાનનું શું થશે ?

પાકિસ્તાનમાં પીએમને પદ પરથી હટાવ્યા પછી તેમની વિરુદ્ધ ન્યાયિક તપાસ કરાવવાનું ચલણ રહ્યું છે. ઈમરાનના પીએમ પદ પરથી હટ્યા પછી નવી સરકાર તેમની વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચારના મામલાઓની તપાસ કરાવી શકે છે.

ખુદ ઈમરાનના સત્તામાં આવ્યા પછી 2019માં પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પૂર્વ પીએમ નવાઝ શરીફને કૌભાંડોના મામલે જેલમાં જવું પડ્યું હતું. જ્યારે ગત વર્ષે વિપક્ષી નેતા શાહબાઝ શરીફે પણ મની લોન્ડરીંગના આરોપોમાં જેલમાં જવું પડ્યું હતું.

ચાલો જાણીએ કે પીએમ પદેથી હટ્યા પછી ઈમરાન ખાનનું રાજકીય ભવિષ્ય કેવું હોવાની સંભાવનાઓ છે?

  • હાલના દિવસોમાં ઈમરાનની ત્રીજી પત્નીની બહેનપણી અને ઈમરાનની નજીકની મનાતી ફરાહ ખાન પર ભ્રષ્ટાચારના આરોપો અંગે વિપક્ષ ખૂબ પ્રહારો કરી રહ્યો છે.
  • રિપોર્ટ્સ અનુસાર, ઈમરાનના સત્તામાં આવ્યા પછીથી ફરાહ ખાન ઉર્ફે ફરહત શહજાદી ઉર્ફે ફરાહ ગુજ્જરની સંપત્તિ 4 ગણી વધી છે. 2017માં ફરાહની સંપત્તિ 23 કરોડ પાકિસ્તાની રૂપિયાથી વધીને 2021માં 97 કરોડ પાકિસ્તાની રૂપિયા થઈ ગઈ.
  • વિપક્ષનો આરોપ છે કે ફરાહે સરકારી નિયુક્તિઓ અને બદલીઓ દ્વારા જોરદાર પૈસા કમાયા છે. વિપક્ષ કહે છે કે ટ્રાન્સફર-પોસ્ટિંગના ખેલથી માત્ર ફરાહ નહીં પણ ઈમરાનની ત્રીજી પત્ની બુશરા બીબીએ પણ 6 અબજ રૂપિયાથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો છે.
  • ફરાહ ઈમરાન પરિવારની એટલી નજીક છે કે ઈમરાન-બુશકાના નિકાહની રિસેપ્શન પાર્ટી ફરાહના ઘરે થઈ હતી. આ સાથે જ આ વર્ષની શરૂઆતમાં જ્યારે ઈમરાન-બુશરા વચ્ચે અણબનાવના સમાચારો આવ્યા તો બુશરા ગુસ્સામાં ફરાહના ઘરે રહેવા ચાલી ગઈ હતી.
  • ઈમરાને ફરાહના પતિ ઉસ્માન બુઝદારને પંજાબના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા, જેના પછી ફરાહની સંપત્તિ ઝડપથી વધી. રિપોર્ટ્સ અનુસાર, ફરાહ અને ઉસ્માન દેશ છોડીને દુબઈ જઈ ચૂક્યા છે. હાલમાં જ ફરાહની એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં તેમની પાસે દેખાતી એક બેગની કિંમત 68 લાખ રૂપિયા જણાવાઈ છે.
  • એટલે કે પીએમ પદેથી હટ્યા પછી ઈમરાન, બુશરા અને તેમની નજીકની ફરાહ વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ ચાલી શકે છે, જેમાં દોષિત ઠેરવવામાં આવે તો ઈમરાન પર ધરપકડની તલવાર પણ લટકેલી રહેશે.
  • કેટલાક એક્સપર્ટ્સ માને છે કે ઈમરાન ભલે પીએમ પદેથી હટી જાય, પરંતુ તેઓ ખુદને રાજકીય રીતે નબળા નહીં થવા દે. તેનાથી ઈમરાનને 2023માં થનારી સામાન્ય ચૂંટણીમાં જીતની આશા છે.
  • એવું મનાય છે કે આ જ કારણ છે કે હાલના દિવસોમાં તેમને અમેરિકા વિરોધી નિવેદનો આપ્યા છે. એમ કરીને તેઓ ભવિષ્ય માટે રાજકીય પિચ તૈયાર કરી રહ્યા છે.

કેમ શહબાઝ પણ વધુ દિવસ પીએમ પદ ન ટકવાની છે સંભાવના ?

  • પાકિસ્તાનમાં ઈમરાન અવિશ્વાસ મત હાર્યા પછી વિપક્ષની તરફથી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ એટલે કે પીએમએલ-એનના નેતા શહબાધ શરીફ પીએમ બની શકે છે. નવી સરકારમાં પીએમએલ-એન અને આસિફ અલી ઝરદારીની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી એટલે કે પીપીપી મુખ્ય પક્ષો રહેશે.
  • નવાઝ શરીફની પીએમએલ-એનના નેશનલ એસેમ્બ્લીમાં 84 અને પીપીપીના 47 સાંસદ છે. પીએમએલ-એની પાસે સંખ્યાબળ વધુ હોવાના કારણે જ શહબાઝ શરીફે વિપક્ષ તરફથી પીએમ ઘોષિત કરાયા છે.
  • એક્સપર્ટ્સ કહે છે કે પંજાબ રાજ્યમાં મજબૂત આધાર ધરાવતી પીએમએલ-એન અને સિંધની શક્તિશાળી પાર્ટી પીપીપી ક્યારેક ઘોર વિરોધી રહી છે. ઈમરાન સરકાર પીએમએલ-એન અને પીપીપીના તમામ મોટા નેતાઓની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવી કેસ ચલાવી રહ્યા હતા. નવાઝ શરીફ અને ઝરદારી જેલમાં પણ જઈ ચૂક્યા છે તેથી દબાણમાં આવીને આ પાર્ટીઓએ એકસાથે આવવાની સમજૂતી કરી છે.
  • એક્સપર્ટ કહે છે કે આ પાર્ટીઓનો મુખ્ય એજન્ડા ઈમરાનને હટાવવાનો હતો તેથી આગળ સરકાર ચલાવવા દરમિયાન તેમાં અહંનો ટકરાવ થઈ શકે છે. પીએમએલ-એન અને પીપીપી બંનેના નેતા આના પહેલા એકબીજા પર પ્રહારો કરતા રહ્યા છે. એવું મનાય છે કે વિપક્ષની સરકાર બનવા પર ટૂંક સમયમાં ચૂંટણીની ઘોષણા થઈ શકે છે.