UNSCમાં સ્થાયી સભ્યપદ માટે હવે અમેરિકા કરી શકે છે ભારતનો વિરોધ, રશિયાના સમર્થનથી પશ્ચિમી દેશોનું દબાણ વધ્યું

યુક્રેન પર રશિયાના હુમલા વિશે ભારતનું તટસ્થ વલણ હવે અમેરિકાને ખૂંચી રહ્યું છે. યુદ્ધ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બે વાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે રશિયાએ હવે યુક્રેનથી તેની સેના હટાવવી જોઈએ, ત્યાં ઘણું નુકસાન થયું છે. ભારતે બે વખત આ પ્રસ્તાવમાં તટસ્થ વલણ અપનાવ્યું છે. જેના કારણે હવે ભારત સામે અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ નારાજગી વ્યક્ત કરી છે. અમેરિકા અને ફ્રાન્સની આ નારાજગીના કારણે હવે શક્ય છે કે, ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ મળવામાં મુશ્કેલી થઈ શકે છે.

રશિયા મુદ્દે ભારતથી અમેરિકા નારાજ

યુક્રેન પર રશિયાની કાર્યવાહી મામલે ભારતના તટસ્થ વલણથી અમેરિકા નારાજ છે. આ વિશે જ્યારે બાઈડનને પત્રકાર પરિષદમાં સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ખૂબ ઓછા શબ્દોમાં કહ્યું હતું કે, અમેરિકા ભારતના વર્તનથી અસંતુષ્ટ છે. ભારતના આ વર્તનના કારણે બંને દેશો વચ્ચે થોડું અંતર આવી ગયું છે. આ ઉપરાંત જ્યારે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રસ્તાવમાં પણ ભારત તટસ્થ રહ્યું ત્યારે પણ અમેરિકાના આસિસ્ટન્ટ સ્ટેટ સેક્રેટરી ડોનાલ્ડ લુએ કહ્યું હતું કે “અમે ઈચ્છીએ છીએ કે ભારત રશિયાની કાર્યવાહી તરફ સ્પષ્ટ વિચારો વ્યક્ત કરે.
UNSCના પાંચ મુખ્ય સભ્ય દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, ચીન, બ્રિટન અને રશિયા છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી અમેરિકા, બ્રિટન અને યુરોપિયન સંઘે રશિયા પર ઘણાં આકરા પ્રતિબંધો લગાવ્યા છે. નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતના સ્થાયી સભ્યપદ માટે અત્યાર સુધી ચીન જ વિરોધ કરતું હતું પરતું હવે શક્ય છે કે, અમેરિકા અને બ્રિટન પણ આ વિરોધમાં સામેલ થઈ શકે છે. આ સંજોગોમાં રશિયા બાબતે નિષ્પક્ષ રહેવાથી શક્ય છે કે, ભારતને UNSCમાં સ્થાયી સભ્યપદ મળવું મુશ્કેલ થઈ શકે છે.

ભારત પર પ્રેશર લાવવાથી અમેરિકાને શું ફાયદો થશે

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા સહિત પશ્ચિમ દેશોએ રશિયાએ પર અમુક આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે અને યુક્રેનને હથિયાર સપ્લાય કરવાનો વાયદો કર્યો છે. તેમ છકાં યુક્રેનને જેટલી અપેક્ષા હતી તેટલી મદદ તેને મળી નથી. યુક્રેનના વડાપ્રધાન ઝેલેન્સ્કીએ વારંવાર તેમના દેશને તાત્કાલિક NATOમાં સભ્ય પદ આપવાની માંગણી કરી છે, પરંતુ એવુ થતું નથી. પશ્ચિમી દેશોએ રશિયા આક્રમણની સામે યુક્રેનને તેના હાલ પર છોડી દીધું છે. હવે જો અમેરિકા એવું ઈચ્છે છે કે, ભારત તેના જૂના મિત્રના વિરોધમાં જાય તો તેમાં અમેરિકાનો પણ સ્વાર્થ છે. અમેરિકા નથી ઈચ્છતુ કે, એશિયામાં ભારત જેવો મોટો દેશ રશિયાને સાથે આપે અને ખાસ એવી સ્થિતિમાં જ્યારે પેસિફિકમાં તણાવ વધી રહ્યો છે. તે ઉપરાંત ચીનના વધતા પ્રભુત્વને પણ રોકવાનું છે.
અત્યારે રશિયા અને ચીનની સ્થિતિ લગભગ એક સરખી છે. આ સંજોગોમાં જો ભારત રશિયાના સમર્થનમાં જતુ રહે તો અમેરિકા માટે ચીનનો સામનો કરવો મુશ્કેલ થઈ શકે છે. તે ઉપરાંત ભારતને પણ રશિયાને સમર્થન આપવું એટલા માટે જરૂરી છે કારણકે પાકિસ્તાન પણ ધીમે ધીમે રશિયાના સમર્થનમાં આવી રહ્યું છે. થોડા સમય પહેલાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રશિયા જઈને પુતિન સાથે મુલાકાત કરી હતી. તેથી આ સંજોગોમાં જો ભારત અમેરિકાને સાથે આપે છે તો પાકિસ્તાન રશિયાના સમર્થનમાં આવી જશે અને જે લાંબા ગાળે ભારત માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

ચીન નથી ઈચ્છતું ભારતને મળે UNSCમાં સ્થાયી સ્ભ્યપદ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યપદ માટે ભારત ઘણાં સમયથી પ્રયત્નો કરે છે પરંતુ ચીન હંમેશા તેનો વીટો પાવર વાપરીને ભારતને સ્થાયી બનતા રોકી દે છે. જોકે આ પહેલાં ચીન સિવાય ફ્રાન્સ, અમેરિકા, રશિયા અને બ્રિટને ભારતને સ્થાયી સભ્ય બનવા માટે મંજૂરી આપી દીધી હતી.
ચીનને એવો ડર છે કે, જો ભારત UNSCમાં સ્થાયી સભ્ય બની જશે તો તે બેઈજિંગ માટે પડકાર રૂપ સાબીત થશે. તેની અસર દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાની સ્થાનિક રાજનીતિ ઉપર પણ થશે. તેના કારણે અહીંના સામરિક સમીકરણો બદલાઈ જશે. ચીનનું કહેવું છે કે, ભારત સ્થાયી સભ્ય બનશે તો પાકિસ્તાનને પણ મુશ્કેલી ઉભી થઈ શકે છે. પાકિસ્તાન-ભારત પડોશી દેશો છે. તે બંને દેશો વચ્ચે આતંકવાદ અને સીમા વિવાદ પણ છે. તે સિવાય ભારત સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય બનશે તો તેની અસર ચીન અને પાકિસ્તાનની મિત્રતા ઉપર પણ થઈ શકે છે. પરિણામે ચીન નથી ઈચ્છતું કે ભારત UNSCમાં સ્થાયી સભ્ય બને.

ભારતની હાલત સુડી વચ્ચે સોપારી જેવી

અમેરિકા ઈચ્છે છે કે, ભારત રશિયાથી થોડું અંતર જાળવે. જોકે રશિયા ભારતને હતિયાર વેચવાર મુખ્ય દેશોમાં છે. યુક્રેન પર રશિયાના હુમલા પછી અમેરિકા, બ્રિટન અને યુરોપીય સંઘે રશિયા પર ઘણાં કડક પ્રતિબંધો લગાવ્યા છે. રશિયા ઉપર પ્રેશર વધારવા તેને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલુ પાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
ભારતે આ મુદ્દે અત્યાર સુધી તટસ્થ વલણ અપનાવ્યું છે. ભારતે અત્યાર સુધી માત્ર વાતચીતથી ઉકેલ લાવવાની અને સીઝફાયર કરવાની વાત કરી છે. ભારતના રશિયા અને પશ્ચિમી દેશો બંને સાથે સારા સંબંધો છે. રશિયાની સાથે સોવિયત સંઘના સમયથી જ ભારતને પારંપરિક મિત્રતા છે. પરિણામે યુદ્ધમાં તણાવની સ્થિતિમાં પણ ભારત, પશ્ચિમી દેશો અને રશિયા સાથેના તેના સંબંધોમાં સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે.

જર્મનીએ કહ્યું- ભારતે વોટિંગ પેટર્નમાં ફેરફાર કરવો જરૂરી

ભારતે અત્યાર સુધી યુક્રેન પર રશિયાના આક્રમણ વિશે નિષ્પક્ષ વલણ અપનાવેલું છે. આ વિશે જ્યારે જર્મન રાજદૂત વોલ્ટર લિંડરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ભારતના વર્તનથી જર્મની નારાજ છે. પરંતુ હજી પણ સમય છે, ભારતે તેમનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ. જો રશિયાને આ બધુ કરવા દેવાશે તો તેનું નુકસાન દરેકને થશે અને અમને આશા છે કે, અમે આ વિશે ભારત સાથે વાત કરી છે અને તેઓ તેમના વર્તનમાં થોડો ફેરફાર લાવશે. ભારત તેની વોટિંગ પેટર્નમાં કઈક પરિવર્તન લાવશે. જર્મની ઈચ્છે છે કે, ભારત રશિયા હુમલાની નિંદા કરે અને તેના વિરુદ્ધ વોટિંગ કરે પરંતુ ભારતે અત્યાર સુધી એવું કશુ નથી કર્યું.

ભારતે કેમ તટસ્થ રહેવું પડે છે?

રશિયા રક્ષા ક્ષેત્રે ભારતનું સૌથી મોટું ભાગીદાર છે. ભલે ભારતને 70 ટકા હથિયાર સપ્લાય કરનાર રશિયાનો હિસ્સો આજે 49% હોય પરંતુ આજના દિવસે પણ તેની સરખામણીએ બીજો કોઈ મોટો દેશ નથી. S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવાથી ભારતને ચીન અને પાકિસ્તાન સામે મજબૂતી મળશે. આ જ કારણ છે કે, અમેરિકન પ્રતિબંધોનું જોખમ હોવા છતા ભારતે રશિયા સામે આ ડિલ પર આગળ વધવાનું નક્કી કર્યું હતું. મોસ્કો અને નવી દિલ્હીના સંબંધો દાયકાઓ જૂના છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દે પણ રશિયાએ વિટો વાપર્યો હતો. જેના કારણે આ મુદ્દો દ્વીપક્ષીય બન્યો હતો. જોકે ભારતે UNSCમાં એ ચોક્કસ સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેનમાં જે સ્થિતિ ઉભી થઈ છે તેમાં ભારત ખુશ નથી.