ભારતીય યાત્રીઓ માટે સારા સમાચાર:અમેરિકા બાદ બ્રિટને પણ કોવેક્સિનને મંજૂરી આપી, પ્રવાસીઓને હવે આઇસોલેટ નહિ થવું પડે

ભારત બાયોટેકની કોવેક્સિનને ટૂંક સમયમાં જ યુનાઈટેડ કિંગ્ડમ (UK) પોતાની અપ્રૂવ્ડ કોવિડ-19 વેક્સિન લિસ્ટમાં સામેલ કરવા જઈ રહ્યું છે, એટલે કે ઈંગ્લેન્ડ પહોંચેલા આંતરરાષ્ટ્રીય મુસાફરો, જેમણે કોવેક્સિન વેક્સિન લીધેલી છે તેમને હવે આઈસોલેટ નહિ થવું પડે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ તાજેતરમાં કોવેક્સિનના ઈમર્જન્સી ઉપયોગને મંજૂરી આપ્યા બાદ યુનાઈટેડ કિંગ્ડમે આ પગલું ભર્યું છે. ચીનની સિનોવેક અને સિનોફાર્મ વેક્સિનને પણ યુકે દ્વારા એની માન્ય કોવિડ-19 વેક્સિનની સૂચિમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ પણ કોવેક્સિનને મંજૂરી આપી હતી.

ભારતીય મુસાફરો માટે સારા સમાચાર
બ્રિટિશ હાઈ કમિશનર એલેક્સ એલિસે ટ્વીટ કર્યું હતું કે “યુકેની મુસાફરી કરી રહેલા ભારતીય મુસાફરો માટે સારા સમાચાર છે. કોવેક્સિન સહિત WHOની ઈમર્જન્સી ઉપયોગની સૂચિમાં સામેલ કોવિડ-19 વેક્સિનથી ફુલ્લી વેક્સિનેટેડ પ્રવાસીઓને 22 નવેમ્બરથી આઈસોલેટ નહિ થવું પડે.

22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ પડશે નવા નિયમો
કોવેક્સિનથી વેક્સિનેટેડ પ્રવાસીઓને અરાઈવલ પર પ્રી-ડિપાર્ચર ટેસ્ટ, ડે-8 ટેસ્ટ તથા સેલ્ફ આઈસોલેટ થવાની જરૂર નહિ પડે. આ ફેરફાર 22 નવેમ્બરે સવારે 4 વાગ્યાથી લાગુ થશે. UKના ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શાપ્સે કહ્યું હતું કે નવી ઘોષણાઓ ઈન્ટરનેશનલ ટ્રાવેલને ફરી શરૂ કરવાના આગળના તબક્કાને ચિહ્નિત કરે છે.

18 વર્ષથી ઓછી ઉંમરના યાત્રીઓ માટે પણ નિયમોમાં છૂટછાટ
યુકે સરકારે ઇંગ્લેન્ડ આવતા 18 વર્ષથી ઓછી વયના મુસાફરો માટેના નિયમોને પણ સરળ કર્યા છે. હવે તેમને બોર્ડર પર વેક્સિનેટેડ માનવામાં આવશે અને આગમન પર આઈસોલેશન, ડે-8 ટેસ્ટિંગ અને પ્રી-ડિપાર્ચર ટેસ્ટિંગમાંથી મુક્તિ આપવામાં આવશે. તેમણે ફક્ત પોસ્ટ અરાઈવલ ટેસ્ટ કરાવવો પડશે. જો તે પોઝિટિવ જોવા મળશે તો PCR ટેસ્ટ પણ કરાશે.

WHOના અપ્રૂવલવાળી બીજી ઈન્ડિયન વેક્સિન
કોવેક્સિન WHO તરફથી મંજૂરી મેળવનારી બીજી ભારતીય વેકિસન છે. કોવિશીલ્ડને અગાઉ WHOની મંજૂરી મળી હતી. એપ્રિલમાં કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે WHOના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ને સ્વીકાર્યો હતો.