- નગરયાત્રા 5 કિલોમીટરની પરિક્રમા કરી નિજમંદિરે બપોરે 1 વાગ્યે પરત ફરશે
- સમગ્ર શહેરના લોકો સ્વયંભૂ રજા રાખીને નગરયાત્રામાં જોડાયા
કોરોનાકાળનાં બે વર્ષ બાદ આજે ઊંઝામાં જગત જનની મા ઉમિયાની નગરયાત્રા નીકળી છે. ઉમિયા માતાની નગરયાત્રાને લઈને આજે શહેરના તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને યાત્રામાં જોડાયા છે. જુદી જુદી 151 જેટલી આકર્ષક ઝાંખીઓથી નગરયાત્રા સુશોભિત થઈ હતી. ઉમિયા માતાજીની આ નગરયાત્રા 3 કિલોમીટર લાંબી અને 5 કિલોમીટરની પરિક્રમા કરી નિજમંદિરે બપોરે 1 વાગ્યે પરત ફરશે.

બે વર્ષ બાદ નગરયાત્રા નીકળી
કડવા પાટીદાર સમાજની કુળદેવી અને અઢારે વર્ણમાં જેની આસ્થા અને શ્રદ્ધાની સરવાણી વહી રહી છે એવી જગત જનની મા ઉમિયાની બે વર્ષ બાદ આજે ઊંઝા શહેરમાં નગરયાત્રા નીકળી છે. કોરોનાકાળને પગલે બે વર્ષથી ન નીકળી શકેલી મા ઉમિયાની ભવ્ય નગરયાત્રા શહેરીજનો-ભક્તજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારે 8 વાગ્યે મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે નગરયાત્રાને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

નગરયાત્રામાં વિવિધ રાજ્યોના દાતાઓ જોડાયા
વર્ષ 1866થી નિજમંદિરમાં બિરાજમાન મા ઉમિયાની નગરયાત્રા કોરોનાનો પગલે બે વર્ષ નહોતી નીકળી. જોકે આ વર્ષે કોરોના સંક્રમણ નહિવત હોવાથી ધામધૂમથી માતાજીની નગરયાત્રા નીકળી છે. નગરયાત્રામાં ધાર્મિક ભાવના ધરાવતા ભક્તમંડળ, મહિલામંડળ, સમગ્ર ગુજરાતના ઉમિયા પરિવારના સંગઠનનાં ભાઈઓ અને બહેનો, સંસ્થાના કારોબારી સભ્યો તેમજ વિવિધ રાજ્યોના દાતાઓ જોડાયાં છે.
નગરયાત્રામાં આખું નગર જોડાયું
મા ઉમિયાની નગરયાત્રાનાં દર્શન કરવા શેરી, મહોલ્લા, ચોક, સોસાયટીઓ, ગંજબજાર અને રાજમાર્ગ પર લીલાં તોરણ બાંધી સાડીઓ બિછાવીને તેમજ માતાજીને ઠેરઠેર આરતી અને પૂજા માઇક ભક્તો દ્વારા કરવામાં આવી હતી તેમજ ઊંઝાની ઓળખ એવા એપીએમસી માર્કેટના તમામ વેપારીઓ અને માર્કેટયાર્ડના ચેરમેન અને તમામ સમાજના લોકોએ નગરયાત્રાનું સ્વાગત કર્યું હતું.
સમગ્ર શહેરના લોકોએ આજે રજા રાખી
મા ઉમિયાની નગરયાત્રા સમગ્ર શહેરની પરિક્રમા કર્યા બાદ બપોરે 1.30 કલાકે નિજમંદિરે પરત ફરશે. માતાજીની આ પાવન નગરયાત્રાને લઇ આજે સમગ્ર ઊંઝા શહેરના વેપારીઓએ સ્વયંભૂ રજા પાડીને યાત્રામાં જોડાઈ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી છે.