આજે LRDની પરીક્ષા – અઢી કલાક પહેલાં કેન્દ્ર પર પહોંચવું પડશે; વૉશરૂમ-પાણી માટે બહાર જઈ શકાશે નહીં, કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત

  • દૂધનું દાઝેલું પરીક્ષા મોડલ – આજે એલઆરડીની પરીક્ષા, 3 લાખ ઉમેદવારો ભાગ લેશે, બાયોમેટ્રિક વેરિફિકેશનથી પ્રવેશ
  • પેપર પૂરું થયા બાદ ઉમેદવારોએ વર્ગમાં બેસવું પડશે, તેમની હાજરીમાં 2 ઉમેદવારોની સહી બાદ OMR શીટ સીલબંધ કવરમાં પેક થશે

રાજ્યમાં ભરતી પરીક્ષાઓ અને હવે બોર્ડની પરીક્ષાના પણ પેપર ફૂટવાની ઉપરાછાપરી ઘટનાઓ વચ્ચે 10મી એપ્રિલ રવિવારે યોજાનાર એલઆરડી ભરતીની લેખિત પરીક્ષામાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

ઉમેદવારને કોઈપણ પરવાનગી નહીં મળે

વનરક્ષકની પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાનો કિસ્સો સામે આવતા એલઆરડીની પરીક્ષામાં કોઇપણ ઉમેદવારને પેશાબ કે પાણી પીવા માટે પણ ક્લાસરૂમની બહાર નીકળવા પર મનાઇ ફરમાવવામાં આવી છે. દરેક ક્લાસરૂમમાં પાણીની વ્યવસ્થા કરાશે. એલઆરડીની લેખિત પરીક્ષા 7 જિલ્લાના 954 કેન્દ્રો પરથી લેવામાં આવશે. 2.95 લાખ ઉમેદવારો આ પરીક્ષા આપશે જોકે, તે પૈૈકી 1875 ઉમેદવારો દ્વારા કૉલલેટર ડાઉનલોડ કરાયા નથી જેમને ભરતી બોર્ડ દ્વારા મેસેજ પણ કરાયા છે.

ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ પર પ્રતિબંધ

એલઆરડી ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, ‘કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં. પરીક્ષા કેન્દ્રો પર પહોંચનાર તમામ વિદ્યાર્થીઓનું બાયોમેટ્રીક વેરીફિકેશન કરાશે અને તેની વિડીયોગ્રાફી પણ કરાશે.​​​​​​​ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા માટે પણ ખાસ તકેદારી રખાઇ છે. એક જ વિસ્તારના વિદ્યાર્થીઓને અલગ- અલગ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જેથી એક કેન્દ્ર પર જાણીતા ઉમેદવારો ભેગા થઇને ચોરી કરી શકે નહીં. પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારો ઉપરાંત ફરજ પરના સ્ટાફને પણ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમામ ક્લાસરૂમનું સીસીટીવીથી મોનિટરીંગ થશે. તમામ કેન્દ્રો પર ભરતી બોર્ડના પ્રતિનિધિ તરીકે પીઆઇ કે પીએસઆઇ કક્ષાના અધિકારીને મૂકાશે.’

ભરતીમાં પ્રથમવાર ઓએમઆર શીટ સીલ કર્યા અંગે ઉમેદવારોની સહી લેવાશે

એલઆરડીની લેખિત પરીક્ષામાં ક્લાસરૂમમાં ઉમેદવારોની હાજરીમાં જ ઓએમઆર શીટના કવરનું સીલ ખોલાશે. આ પદ્ધતિ જીપીએસસીમાં છે પરંતુ તમામ ભરતીમાં સૌપ્રથમ એલઆરડીમાં એવી પણ પદ્ધતિ દાખલ કરાઇ છે કે પેપર પૂરૂ થયા બાદ ઉમેદવારોને ક્લાસમાં બેસાડી રખાશે અને સુપરવાઇઝર દ્વારા તમામ ઓએમઆર શીટ ફરી કવરમાં મૂકી તેમની સામે જ સીલ કરાશે. આ માટે બે ઉમેદવારની સહી પણ લેવામાં આવશે.

ઉમેદવારોએ 9.30 વાગ્યે કેન્દ્ર પર હાજર થવું પડશેઃ 11 વાગ્યા બાદ પ્રવેશ નહીં મળે

એલઆરડીની પરીક્ષા બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાશે પરંતુ તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું હોવાથી અને ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તમામ ઉમેદવારોને સવારે 9.30 કલાકે પરીક્ષા કેન્દ્ર પર હાજર થવાની સૂચના આપવામાં આવી છે. 11 વાગ્યા બાદ ઉમેદવારોને કેન્દ્ર પર પ્રવેશ નહીં મળે.

પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવાયા, સ્ટાફને તાલીમ અપાઈ

તમામ કેન્દ્રોના ક્લાસરૂમમાં સીસીટીવીની સુવિધા રખાઇ છે પરંતુ જ્યાં પરીક્ષાનું સાહિત્ય આવે અને જ્યાંથી વહેંચણી થાય તે સ્કૂલના પ્રિન્સિપાલની ચેમ્બરમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. પરીક્ષાની કામગીરી સાથે જોડાયેલા ડીઇઓથી લઇને સુપરવાઇઝર અને પીઆઇ- પીએસઆઇને પણ ભરતી બોર્ડ દ્વારા તાલીમ અપાઇ છે.