ગુજરાત સરકારે કોરોનાકાળમાં 4.50 લાખથી વધુ પીપીઇ કિટ તો ખરીદી, પણ ઓર્ડર 241થી માંડી 1087 પ્રતિ નંગના ભાવે આપ્યા

  • રાજકોટની ફર્નિચર બનાવતી હંસિલ એન્ટર. ઉપરાંત આઈએમએ અને વડોદરાની સ્યોર સેફ્ટીને મોટા ઓર્ડર અપાયા

કોરોનાકાળ દરમિયાન હોસ્પિટલોમાં દર્દીની સારવાર માટે કોરોના વોર્ડમાં પીપીઈ કિટની સૌથી વધુ જરૂર પડી હતી. આ માટે ગુજરાત સરકારે વર્ષ 2020 અને 2021માં રુ. 43 કરોડ જેટલી કિંમતની PPE કિટની ખરીદી કરી હતી. પરંતુ આ PPE કિટની ખરીદીમાં ભાવની ચૂકવણીમાં ભારે વિસંગતતા હોવાનું અને એને પગલે ગેરરીતિની વ્યાપક શંકાઓ મંગળવારે વિધાનસભામાં આ અંગે રજૂ થયેલા રિપોર્ટને પગલે ઉદભવી છે. તેમાં પણ એક જ દિવસે ચાર અલગ-અલગ કંપનીઓને અપાયેલા ઓર્ડરમાં રુ. 241થી માંડીને રૂ. 1087 પ્રતિ નંગ પીપીઈ કિટના ચૂકવાતા ગેરરીતિની શંકાઓ મજબૂત બની છે.

રાજકોટની ફર્નિચર બનાવતી કંપનીને સૌથી મોટો ઓર્ડર

કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા કોરોના વોરિયર્સ માટે પીપીઈ કિટની મોટા પાયે ખરીદી કરાઈ હતી. સૌથી પહેલો ઓર્ડર 26 માર્ચ, 2020ના રોજ રાજકોટની એક સમયે ફર્નિચર બનાવતી કંપની હંસીલ એન્ટરપ્રાઈસને અપાયો હતો જેને રુ. 241.50 પ્રતિ નંગના ભાવે 70 હજાર કિટનો ઓર્ડર અપાયો હતો. પરંતુ બાદમાં હંસિલ એન્ટરપ્રાઈઝને 11 એપ્રિલ, 2020ના રોજ રુ. 766 પ્રતિ નંગના ભાવે 50 હજાર નંગ, 16 એપ્રિલ, 2020ના રોજ ફરી રુ. 241.50ના ભાવે 50 હજાર નંગ અને તે જ તારીખે રુ. 766.50 પ્રતિ નંગના ભાવે બીજા 50 હજાર નંગ પીપીઈ કિટનો ઓર્ડર અપાયો હતો.

66

16 એપ્રિલ, 2020ના ચાર ઓર્ડરમાં કૌભાંડની ગંધ

વિધાનસભામાં જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પ્રશ્નના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રજૂ કરેલા જવાબના ભાગરૂપે કોરોના કાળમાં PPE કિટની ખરીદીનો રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં એક બાબત આંખમાં કણાની જેમ ખૂંચે તેવી છે. 16 એપ્રિલ, 2020ના રોજ ગુજરાત સરકારે કુલ 1.85 લાખ પીપીઈ કીટ ખરીદીના કુલ ચાર ઓર્ડર આપ્યા હતા. આમાં મે. સ્યોર સેફ્ટી ઈન્ડિયા લિ.ને રુ. 1087 પ્રતિનંગના ભાવે 75 હજાર નંગ, બ્રોડકાસ્ટ એન્જિ. કન્સલ્ટન્ટને પ્રતિ નંગ રુ. 1087ના ભાવે 10 હજાર નંગ, હંસિલ એન્ટરપ્રાઈસને રુ. 241ના ભાવે 50 હજાર નંગ અને ફરી રુ. 766ના ભાવે બીજા 50 હજાર નંગના ઓર્ડરનો સમાવેશ થતો હતો. આમ ચારેય કંપનીને અલગ-અલગ ભાવે એક જ ક્વોલિટીની PPE કિટના ઓર્ડર અપાયા હતા, જેની રેન્જ રુ. 241 પ્રતિ નંગથી રુ. 1087 પ્રતિનંગની રહી હતી.

See also  GPSSB Talati Cum Mantri Recruitment 2022

રાજકોટની 2 અને વડોદરાની એક કંપનીને ઓર્ડરમાં બખ્ખાં

ગુજરાત સરકારે કોરોનાકાળમાં પીપીઈ કીટની ખરીદીમાં રાજકોટની હંસલ એન્ટરપ્રાઈસ તથા આઈએમએ ઉપરાંત વડોદરાની સ્યોર સેફ્ટી ઈન્ડિયાને ઓર્ડરમાં બખ્ખાં કરાવી દીધા હતા. આમાં હંસીલ એન્ટરપ્રાઈઝને રુ. 241થી લઈને રૂ. 766 પ્રતિ નંગના અલગ-અલગ ભાવે કુલ 2.20 લાખ પીપીઈ કિટના ઓર્ડર અપાયા હતા. જ્યારે રાજકોટની જ આઈએમએ નામની કંપનીને રુ. 504 પ્રતિ નંગના ભાવે 20 હજાર નંગના ઓર્ડર અપાયા હતા. જ્યારે વડોદરાની સ્યોર સેફ્ટી ઈન્ડિયા લિ. કંપનીને રુ. 1087 પ્રતિ નંગના ભાવે 1 લાખ નંગ પીપીઈ કિટના ઓર્ડર અપાયા હતા.

32 કરોડની PPE કિટ, 12 કરોડની PPE કવર ઓલ કિટ ખરીદાઈ

કોરોનાકાળ દરમિયાન ગુજરાત સરકારે રુ. 31.77 કરોડના મૂલ્યની પીપીઈ કિટ અલગ-અલગ કંપનીઓ પાસેથી અલગ-અલગ ભાવે ખરીદી હતી. આ ભાવોમાં રુ. 241થી લઈને રુ. 1087 પ્રતિ નંગની રેન્જ એટલે કે અંતર જોવા મળ્યું હતું. જ્યારે રાજ્ય સરકારે રૂ. 11.87 લાખનું પીપીઈ કવર ઓલ ખરીદ્યું હતું. આ માટે રુ. 179ના સરેરાશ ભાવે 7 લાખથી વધુ નંગ પીપીઈ કવર ઓલની ખરીદી કરાઈ હતી