રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ ખતમ કરવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડાશે

  • રશિયન વિદેશ મંત્રી આ સપ્તાહે દિલ્હી જશે, ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટ આવશે, તેઓ રશિયા-યુક્રેન વચ્ચે મધ્યસ્થી કરી રહ્યા છે

દુનિયામાં શાંતિ જાળવી રાખવાની દિશામાં આ સપ્તાહ અત્યંત મહત્ત્વનું સાબિત થવાનું છે. રશિયા અને યુક્રેન વચ્ચે એક મહિનાથી પણ વધુ સમયથી ચાલતું યુદ્ધ અટકાવવાની ફોર્મ્યુલા ભારતમાં ઘડાવાની તૈયારી ચાલી રહી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવની અચાનક ભારત મુલાકાત આ દિશામાં મહત્ત્વનું પગલું છે.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ

લાવરોવ આ સપ્તાહે આવશે, પરંતુ તારીખ નક્કી નથી. જોકે, એટલું નક્કી છે કે, તેઓ ઈઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટની મુલાકાત પહેલા આવી જશે. નફ્તાલી બીજી એપ્રિલે ભારત આવી રહ્યા છે. રશિયન વિદેશ મંત્રી સાથે વાતચીત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નફ્તાલી સાથે વાત કરશે. નફ્તાલીનો પ્રવાસ પૂરો થયા પછી મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર જેલેન્સ્કી સાથે વાત કરશે. આ દરમિયાન નફ્તાલી પણ એ બંને નેતાઓ સાથે વાત કરશે.

ભારત આંતરરાષ્ટ્રીય મંચ પર સતત સંઘર્ષ વિરામની વકીલાત કરી રહ્યું છે. આ માટે યુએનમાં એક જ દિવસમાં બે પ્રસ્તાવ પર મતદાનમાં ભારતે હિસ્સો નહોતો લીધો. એક પ્રસ્તાવ યુક્રેનના પક્ષમાં હતો, જ્યારે બીજો રશિયાના પક્ષમાં. હાલ ભારત-ઈઝરાયલનો હેતુ રશિયાના મહત્ત્વના મતભેદ ઉકેલવાનો છે.

નફ્તાલીનો ભારત પ્રવાસ પૂરો થયા પછી મોદી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન અને યુક્રેનના પ્રમુખ વોલોદિમીર જેલેન્સ્કી સાથે વાત કરશે.

ભારત-ઈઝરાયલની ભૂમિકા મહત્ત્વની હોવાના કારણ:-

  • ભારતના સંબંધ રશિયા સાથે સારા છે. એ રીતે યુક્રેનને સાથ આપતા અમેરિકા સાથે પણ ભારતના સંબંધ સારા છે. હાલના વૈશ્વિક સંજોગોમાં રશિયા-અમેરિકા ભારતની જરૂરિયાત છે. એટલે વિવાદ ઉકેલવા માટે ભારતની ભૂમિકા મહત્ત્વની ગણાય છે.
  • ક્વાડમાં ભારતની હિસ્સેદારીને લઈને અમેરિકા ઉત્સુક છે. બીજી તરફ, પુટિનની ઈચ્છા છે કે, તેઓ બ્રિક્સમાં મોદી અને શી જિનપિંગ સાથે ઊભા રહીને આખી દુનિયાને રશિયા, ચીન અને ભારતની એકજૂટતા બતાવે.
  • ઈઝરાયલનું સૌથી નજીકનું મિત્ર અમેરિકા છે. બીજી તરફ, યુક્રેનના પ્રમુખ વોલોદિમિર જેલેન્સ્કી યહૂદી છે, જે ઈઝરાયલ માટે મહત્ત્વની બાબત છે. એટલે જ નફ્તાલી મધ્યસ્થીની પહેલ કરી રહ્યા છે.
  • યુક્રેનમાં યુદ્ધ પૂરું કરવા ભારત પહેલેથી પ્રયત્નશીલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક મહિનામાં પુટિન અને જેલેન્સ્કી સાથે ફોન પર બે વાર લાંબી વાત કરી છે.
  • ફ્રેન્ચ પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન પુટિન સાથે બે વાર લાંબી વાત કરી ચૂક્યા છે. આ દરમિયાન મેક્રોન અને મોદીએ પણ લાંબી વાત કરી હતી. આ પ્રયાસોનો હેતુ યુદ્ધ રોકવાનો હતો. અમેરિકા પણ ઈચ્છે છે કે, ભારત અને ઈઝરાયલ યુદ્ધ રોકવાની ફોર્મ્યુલા તૈયાર કરે.