રશિયા – યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રીથી વિશ્વમાં હલચલ મચી! ફ્રાન્સે બેલારુસને ફોન કર્યો; બાઈડેનનું મોટું નિવેદન,ત્રીજું વિશ્વ યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ

  • યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી
  • 1 લાખ સૈનિકોએ અમારા ઘરો પર હુમલા કર્યા અમને ભારત પાસેથી ઘણી આશાઓઃ યુક્રેનના રાષ્ટ્રપતિ

યુક્રેન પર સતત ચોથા દિવસે પણ રશિયાના હુમલા જારી છે. યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં રશિયાના હુમલામાં 198 લોકોનાં મોત થયા છે. જેમાં 33 બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત 1115 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રશિયાના હુમલાના લીધે ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટની પાસે રેડિએશનનું જોખમ 20 ગણુ વધી ગયું છે. આ વિસ્તારમાં રશિયન સૈનિકોની મૂવમેન્ટમાં રેડિઓએક્ટિવ ધૂળ ચોતરફ ફેલાઈ ગઈ છે. જો કે હજુ એ ગંભીર સ્થિતિમાં પહોંચી નથી. આ તરફ રશિયાના સૈનિકોએ ખાર્કિવમાં ગેસ પાઈપલાઈન ઉડાવી દીધી છે. જ્યારે, બાર્સિલકીવમાં ફાયરિંગને કારણે પેટ્રોલિયમ બેઝમાં આગ લાગી હતી.

જો બાઈડેને એક મોટું નિવેદન આપ્યું છે

અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રતિબંધોનો એકમાત્ર વિકલ્પ ત્રીજું વિશ્વ યુદ્ધ જ છે. એક ઈન્ટરવ્યુમાં બાઈડેને કહ્યું કે રશિયા સામે યુદ્ધ લડવું જોઈએ. તેમણે કહ્યું કે બીજો વિકલ્પ એ છે કે જે પણ દેશ આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન ન કરે, તેણે મોટી કિંમત ચૂકવવી જ પડે.

રશિયા-યુક્રેન યુદ્ધમાં પરમાણુ હથિયારોની એન્ટ્રીથી વિશ્વમાં હલચલ મચી! ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બેલારુસના રાષ્ટ્રપતિને ફોન કર્યો

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોના બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કો સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન, તેમણે બેલારુસના નિર્ણયની સખત નિંદા કરી હતી, જેમાં બેલારુસે કહ્યું કે તે રશિયાને બેલારુસની ધરતી પર પરમાણુ હથિયારો તહેનાત કરવાની મંજૂરી આપશે.

એજન્સી અનુસાર, રાષ્ટ્રપતિ મેક્રોને બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોને બેલારુસ અને યુક્રેનના લોકોની લાગણીઓનું સન્માન કરવા કહ્યું હતું અને યુક્રેન પર રશિયાના હુમલામાં મદદ ન કરવા પણ કહ્યુ હતુ. કારણ કે આવું કરવું કોઈના હિતમાં નથી.

અમેરિકાએ કહ્યું- રશિયા બેલારુસનો ઉપયોગ કરી રહ્યું છે

એજન્સી અનુસાર, યુએસના એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ કહ્યું હતું કે યુક્રેન પરના હુમલા વચ્ચે રશિયા બેલારુસનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. જો કે, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પણ યુક્રેનને મદદ કરવા હાથ લંબાવ્યો છે.

તમને જણાવી દઈએ કે બેલારુસને રશિયાનું સમર્થક માનવામાં આવે છે. વળી, અહીંના વર્તમાન પ્રમુખ પણ રશિયન રાષ્ટ્રપતિ પુતિનના નજીકના હોવાનું કહેવાય છે. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધમાં બેલારુસ ખુલ્લેઆમ રશિયાનું સમર્થન કરી રહ્યું છે.

રશિયા યુક્રેન યુદ્ધ અપડેટ્સ…

  • અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોટું નિવેદન આપતા કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ છે. એક ઈન્ટરવ્યુમાં બાઈડેને કહ્યું કે રશિયા સામે યુદ્ધ લડવું જોઈએ.
  • બેલારુસે કહ્યું કે તે રશિયાને બેલારુસની ધરતી પર પરમાણુ હથિયારો તહેનાત કરવાની મંજૂરી આપશે.
  • યુક્રેનના લોકો તેમના ઘર છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરી રહ્યા છે. યુક્રેનમાંથી લગભગ 1 લાખ 20 હજાર લોકો પોલેન્ડ, મોલ્દોવા અને અન્ય પડોશી દેશોમાં પહોંચી ગયા છે.
  • રશિયન હુમલા બાદ યુક્રેનના વાસિલકિવ શહેરમાં તેલના ડેપોમાં આગ ફાટી નીકળી હતી.
  • યુક્રેને રશિયા અને બેલારુસ સાથેની તેની સરહદો બંધ કરી દીધી છે. યુક્રેનના વડાપ્રધાન ડેનિસ શમીહાલે શનિવારે સાંજે આ બાબતે જાહેરાત કરી હતી.
  • ફેસબુકની પેરેન્ટ કંપની મેટાએ તમામ રશિયન મીડિયા આઉટલેટ્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ YouTube રશિયન સ્ટેટ મીડિયા આઉટલેટ RT સહિત અનેક ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે.
  • રશિયામાં, યુક્રેન પર હુમલાનો વિરોધ કરી રહેલા 3,000 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.
  • જર્મનીએ કહ્યું છે કે તે યુક્રેનને 1,000 એન્ટી ટેન્ક હથિયારો, 500 સ્ટિંગર મિસાઇલો મોકલશે. રશિયાની ફ્લાઈટ્સને જર્મન એરસ્પેસમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
  • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકીએ યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસને UNSCમાં રશિયાનો મતદાનનો અધિકાર છીનવી લેવા વિનંતી કરી છે.
  • અમેરિકાએ દાવો કર્યો છે કે રશિયાએ અત્યાર સુધીમાં યુક્રેન પર 250થી વધુ મિસાઈલો છોડી છે.

મુશ્કેલીનો સામનો કરી રહેલી રશિયન સેના

રશિયન સેના રાજધાની કીવ, ઉત્તરપૂર્વીય શહેર ખાર્કિવ અને દક્ષિણ શહેર ખેર્સોનમાં સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ત્રણેય શહેરોમાં યુક્રેની સેના છેલ્લા 24 કલાકથી રશિયાને સીધી ટક્કર આપી રહી છે. સંયુક્ત રાષ્ટ્રોના એક અધિકારીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 1.50 લાખથી વધુ યુક્રેની શરણાર્થી પોલેન્ડ, મોલ્દોવા અને રોમાનિયા પહોંચી ચૂક્યા છે.

ઉત્તર કોરિયાએ કર્યો કટાક્ષ- એ દિવસો હવે ગયા કે જ્યારે અમેરિકા સુપર પાવર હતું

યુક્રેન યુદ્ધ પર નિવેદન જારી કરીને ઉત્તર કોરિયાએ પ્રથમ વખત અમેરિકાની ઝાટકણી કાઢી હતી. ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરીને કહ્યું- અમેરિકાની અસમર્થતા, મનમરજી અને રશિયાની સુરક્ષાની માંગને અવગણવાથી યુદ્ધની શરૂઆત થઈ છે. તેમણે અમેરિકા પર કટાક્ષ કરતા કહ્યુ હતુ કે હવે એ દિવસો ગયા કે જ્યારે અમેરિકા સુપર પાવર હતું, રશિયા એ
કોરિયાના કેટલાક શક્તિશાળી મિત્રોમાંનું એક છે.

યુક્રેન પર હુમલાના ત્રીજા દિવસે રશિયાએ દાવો કર્યો હતો કે તેણે યુક્રેનના 800 સૈન્ય મથકોને તબાહ કરી દીધા છે. આ દરમિયાન યુક્રેનની સેનાએ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે તમે અમારી મદદ કરવા માગો છો તો થોડી સલાહને અનુસરો. જો તમને રશિયન ટેન્ક્સ શહેરોની તરફ આગળ વધતી જોવા મળે તો સડકો ખોદી નાખો. ટેન્ક્સની પાછળ ફ્યુલ ટેન્કર હશે. તેના કારણએ તેઓ આગળ નહીં વધી શકે. જો તેમના મિલિટરી વ્હીકલ આવતા દેખાય તો આસપાસના વૃક્ષો કે જંગલમાં આગ લગાવી દો. રશિયન સેનાના વાહનોનાં ટાયરો પર ફાયરિંગ કરો. ખુદને સુરક્ષિત રાખો પણ રશિયન સૈનિકોની જિંદગી મુશ્કેલ બનાવી દો.

યુક્રેનની સેનાએ સામાન્ય નાગરિકોને અપીલ કરી છે કે ખુદને સુરક્ષિત રાખો પણ રશિયન સૈનિકોની જિંદગી મુશ્કેલ બનાવી દો.

યુક્રેન પર હુમલાના ત્રીજા દિવસે રશિયાએ દાવો કર્યો કે તેમને 800 યુક્રેની સૈન્ય ઠેકાણાંને ધ્વસ્ત કરી દીધાં છે. જેમાં 14 સૈન્ય હવાઈ ક્ષેત્ર, 19 કમાન્ડ પોસ્ટ, 24 એસ-300 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ સિસ્ટમ અને 48 રડાર સ્ટેશન સામેલ છે. આ ઉપરાંત યુક્રેનની નેવીની 8 જહાજોનો પણ નાશ કરી દીધો.

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, રશિયન સેનાની યુક્રેની સેનાએ જોરદાર જવાબ આપી રહી છે અને તેના કારણે તેઓ નાસીપાસ થઈ રહ્યાં છે. ખાસ કરીને યુક્રેનના ઉત્તરી વિસ્તારમાં તેમનો ઉત્સાહ ઠંડો પડી રહ્યો છે. તેથી હવે કીવ સહિત બીજા શહેરોમાં સિવિલિયન વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાં છે. રશિયાને તેવી આશા ન હતી કે તેમને આ લેવલની ટક્કરનો સામનો કરવો પડશે. આ વચ્ચે જર્મનીએ યુક્રેનના 5 હજાર આર્મી હેલમેટ્સ મોકલ્યાં છે. યુક્રેનની માગ 1 લાખ હેલમેટ્સ અને હેડગિયર્સની હતી.

રશિયાના ફાઈટર જેટ્સે કીવ ઉપરાંત દેશના બે શહેરોમાં હુમલાઓ કર્યા છે. જ્યાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ પર પણ મિસાઈલ છોડવામાં આવી છે. આ છે ખાર્કિવ અને ખેરસન. યુક્રેનની ટ્રુપ્સ પણ ત્યાં હાજર છે. ગુરુવારે ખાર્કિવમાં રશિયાનું મિલિટ્રી હેલિકોપ્ટર તોડી પડાયું હતું.

યુક્રેનની મહિલાઓ પણ રશિયન સેના સામે લડવા માટે તૈયાર છે.બ્લૂ જેકેટમાં જોવા મળતી જેલેનિયા પ્રાઈમરી ટીચર છે જેના હાથમાં હવે બોલપેનની જગ્યાએ બંદૂક છે.

રશિયાના અમીર લોકો પર ગોલ્ડન વિઝા ખરીદવા પર પ્રતિબંધ

પશ્ચિમી દેશોએ રશિયાની અમીર લોકોને ગોલ્ડન વિઝા ખરીદવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. EU, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, યુકે, કેનેડા અને અમેરિકા દ્વારા રશિયાને સ્વિફ્ટ પેમેન્ટ સિસ્ટમમાંથી બહાર કાઢવાની વાત કરવામાં આવી છે. યુક્રેને રેડ ક્રોસને યુદ્ધ દરમિયાન માર્યા ગયેલા રશિયન સૈનિકોના મૃતદેહો તેમના દેશને સોંપવા વિનંતી કરી છે.

જેલેન્સ્કીનો મોદીને ફોન

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ શનિવારે સાંજે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી. તેમણે ખુદ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. જેલેન્સકીએ કહ્યું- મેં વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી છે. એક લાખ ઘૂસણખોરોએ અમારા દેશ પર હુમલો કર્યો છે. અમારા મકાનો અને જમીનો પર અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. રહેણાંક વિસ્તારો બળી રહ્યા છે. તમે આ મુશ્કેલ સમયમાં અમને રાજકીય અને અન્ય મદદ કરો. અમે ઈચ્છીએ છીએ કે તમે UN સિક્યોરિટી કાઉન્સિલમાં યુક્રેનને સમર્થન આપો. આપણે સાથે મળીને આનો સામનો કરવો પડશે.

ફ્રાન્સે રશિયાના જહાજને જપ્ત કર્યું

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે અન્ય દેશો સુધી પહોંચવા લાગ્યું છે. મીડિયા એજન્સી અનુસાર, શનિવારે સાંજે, ફ્રેન્ચ નેવીએ રશિયન કાર્ગો જહાજનો કબજો લીધો હતો. આ જહાજ ઈંગ્લિશ ચેનલમાં હાજર હતું. ફ્રાન્સના આ પગલાથી રશિયા નારાજ છે. રિપોર્ટ અનુસાર આ જહાજમાં ઘણી મોંઘી કાર અને કેટલાક ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ છે. ફ્રેન્ચ નેવી અને કસ્ટમ્સે આ જહાજની તપાસ શરૂ કરી છે. ફ્રાન્સમાં હાજર રશિયાના રાજદૂતે ઈમેન્યુઅલ મેક્રોન સરકારનો સંપર્ક કર્યો છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

આ પહેલા રશિયાએ મેલિટોપોલ શહેર પર હુમલો કરીને તેના પર કબજો કર્યો હતો. આ દરમિયાન યુક્રેને 3,500 રશિયન સૈનિકો, 02 ટેન્ક, 14 એરક્રાફ્ટ અને 8 હેલિકોપ્ટરને નષ્ટ કર્યાનો દાવો કર્યો છે. જ્યારે, આ તરફ પરિસ્થિતિને જોતા અમેરિકાએ યુક્રેનને રશિયા સામે લડવા માટે 600 મિલિયન ડોલરની સુરક્ષા સહાય આપવાની જાહેરાત કરી છે.

શનિવારે રાજધાની કિવ સહિત યુક્રેનના તમામ મહત્વના શહેરોમાં વિસ્ફોટ થયા છે. રશિયાના સૈનિકો રાજધાની કિવમાં પ્રવેશ્યા છે અને યુક્રેનિયન સૈનિકો સાથે તેમની સામ-સામે લડાઈ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન યુક્રેને 300 રશિયન પેરાટ્રૂપર્સથી ભરેલા 2 વિમાનને તોડી પાડવાનો દાવો કર્યો છે. આ પહેલા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં રશિયા સામે નિંદાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 11 અને વિરોધમાં 1 મત પડ્યા હતા. ભારત, ચીન અને UAEએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

યુક્રેન સરહદ નજીક અમેરિકાના 3 વિમાનો જોવા મળ્યા

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઓછામાં ઓછા ત્રણ અમેરિકન એરક્રાફ્ટ યુક્રેન સરહદ નજીક રોમાનિયા એરસ્પેસમાં જોવા મળ્યા છે. આ ત્રણેય વિમાન 3 કલાકથી ઉડાન ભરી રહ્યા છે. આમાંથી એક વિમાન ગુપ્ત માહિતી એકત્ર કરી રહ્યું છે. જ્યારે 2 મિડ એર રિફ્યુઅલિંગ ટેન્કર છે.

યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીને લઈ એર ઈન્ડિયાનું વિમાન AI-1943 આજે રાત્રે 8 વાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે. આ અગાઉ વિમાનમાં બેસીને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ વ્યક્ત કરી હતી. બીજી બાજુ યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો હતો. અહીંથી બહાર નીકળવા માટે મુસાફરોએ કોવિડ-19ના રસીકરણનું સર્ટિફિકેટ અથવા RT-PCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી હોય છે.

માતૃભૂમિ પર તમારું સ્વાગત છે

યુક્રેનથી મુંબઈ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓનું કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વિમાનમાં જઈને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું-માતૃભૂમિમાં તમારા સૌનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમે સૌ સુરક્ષિતપણે પરત ફરો તે માટે આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. રશિયાએ પણ ભારતીયોને સુરક્ષિત રીતે પરત ફરે તે બાબત પર ભાર આપ્યો છે. તમારે તમારા મિત્રોને પણ કહેવાનું છે કે સરકાર તેમને પણ સુરક્ષિત રીતે પરત લાવી રહી છે. અને વધુ ફ્લાઈટ્સ આવી રહી છે. સંભવતઃ સવાર સુધીમાં.

એરપોર્ટ પર યુક્રેનથી પરત ફર્યા સ્ટૂડન્ટ્સ સાથે વાત કરતા પીયૂષ ગોયલ
યુક્રેનથી મુંબઈ પરત ફરેલા સ્ટૂડન્ટ્સ સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ. મુંબઈ સેન્ટ્રલના સાંસદ પૂનમ મહાજન અને મુંબઈના મેયર કિશોરી પેડનેકર.

ગુજરાતના વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા

યુક્રેનમાં ફસાયેલ ગુજરાતના વિદ્યાર્થીઓએ 8 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરી દીધું છે. મુંબઇથી આ વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે સુરત વિભાગની બે વોલ્વો બસ મુંબઈ મોકલવામાં આવી છે. જે હાલ મુંબઈ એરપોર્ટ પહોંચી છે. આવી રહેલ વિદ્યાર્થીઓ ગુજરાતના કયા-કયા સ્થાન પરના છે ? તેની માહિતી તેમના પહોંચ્યા બાદ સામે આવશે, તે પ્રમાણે તેમને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની વ્યવસ્થા કરાશે.