પહેલીવાર બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નિષ્ણાત શિક્ષકો-ટોપર્સે આપી ખાસ સલાહ

  • 28મી માર્ચથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થશે
  • આ વખતે 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

આગામી 28મી માર્ચે ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરુ થઇ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે. કોરોના બાદ પ્રથમવાર ધો.10-12ના કુલ 14,98,430 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડની પરીક્ષામાં ખાસ ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં વધુ મુંઝવણ હોય છે કારણકે આ વિદ્યાર્થીઓ પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરે વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી તકેદારી રાખવી તે બાબતે નિષ્ણાત શિક્ષકો તથા અગાઉના વર્ષના ટોપર વિદ્યાર્થી સાથે વાત કરી હતી. જેમણે પોતાના અનુભવ પરથી પરીક્ષામાં કેવી તકેદારી રાખવી તે જણાવ્યું હતું.

‘છેલ્લી ઘડીએ તમામ વિષયો એક સાથે ના વાંચવા’

  • આ અંગે નિષ્ણાત શિક્ષક સહદેવ સિંહ સોનાગરાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન આ કાળજી રાખશે તો પરીક્ષા ખુબ સારી રીતે આપી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અંતિમ સમયમાં એક સાથે તમામ વિષય વાંચવાની જગ્યાએ એક એક વિષય અલગ અલગ શીડ્યુલ કરીને વાંચવા, જેથી સારી રીતે યાદ કરીને પરીક્ષા આપી શકે.

‘જે આવડે તે પહેલા લખવું’

  • અન્ય આચાર્ય નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે જેથી શક્ય હોય તો ઘરે રહીને તૈયારી કરવી. રાતના ઉજાગરા તથા તબીયત ના બગડે તેની કાળજી રાખવી. બોર્ડની માર્ગદર્શિકા પ્રમાણે ઉતરવહીમાં કોઈ નિશાન ના કરવા જેથી ઓળખાણ પ્રસ્થાપિત થાય. જે આવડતું હોય તે પ્રથમ લખવું.

ટોપરની ટિપ્સ

  • 2020માં ટોપ કરનાર પ્રિયા કાબરા નામની વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, જે વિષયમાં રોકડા માર્ક્સ મળી શકે હોય તેમાં વધુ તૈયારી કરવી. થીયરીના વિષયમાં નાની ભૂલોના કારણે માર્ક્સ કપાય છે પરંતુ ગણિત, એકાઉન્ટ, સ્ટેટ્સ જેવા વિષયમાં પુરા માર્ક્સ મેળવી શકાય જેથી રફમાં ગણતરી કરીને લખવું.