મૂળીના ખેડૂતે સરકારી નોકરી છોડી પાંચાળની પથરાળ ભૂમિ પર 100 વીઘામાં જામફળ, દાડમ અને લીંબુની ખેતી કરી, વર્ષે 18 લાખની આવક

  • કમલેશભાઈ બાગાયતી ખેતી કરીને ખેડૂતોને રાહ ચીંધ્યો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાની જમીન પથરાળ અને રેતાળ હોવાથી મોટા ભાગે ખેડૂતો કાલા અને કપાસની જ ખેતી કરે છે. ખેડૂતો અત્યારસુધી કપાસ, એરંડા અને જીરાની ખેતી તરફ જ નભતા હતા, પરંતુ નર્મદાના નીર આવતાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડીને બાગાયતી ખેતી તરફ વળ્યા છે. ઝાલાવાડના ખેડૂતો બાગાયતી ખેતી કરીને સારોએવો નફો રળી રહ્યા છે. ત્યારે મૂળીના પ્રગતિશીલ ખેડૂત કમલેશભાઈ ડોબરિયાએ સરકારી નોકરી છોડી છેલ્લાં 8-10 વર્ષથી પોતાની 100 વીઘાની જમીનમાં ભરૂચ અને હળવદમાં આવેલા બગીચાનું નિર્દશન કરી આગવી કોઠાસૂઝથી 4,700 જેટલા દાડમ, 200 જેટલા લીંબુ તેમજ જામફળના પાકોનું સફળતાપૂર્વક વાવેતર કર્યું છે, જેથી વાર્ષિક 18 લાખની આવક મેળવી રહ્યા છે.

sss
કમલેશભાઈ ડોબરિયાએ એમસીસી ઇન ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરી સરકારી નોકરી છોડી ખેતી શરૂ કરી હતી.

બાગાયતી ખેતી પ્રેરણાદાયી પહેલ

ગુજઅપડેટ્સ સાથેની વાતચીતમાં કમલેશભાઇએ જણાવ્યું હતું કે બાગાયતી પાકનું વાવેતર કોઇપણ આબોહવામાં થઇ શકે છે, પરંતુ એની માવજત પાછળ વધારે ભોગ આપવો પડે છે. હાલમાં મારી મૂળીના વડધ્રાની સીમમાં આવેલી 100 વીઘા જમીનમાં જામફળ, દાડમ અને લીંબુ સહિતનું બાગાયતી વાવેતર કર્યું છે. ત્યારે આ પ્રગતિશીલ ખેડૂતે કૃષિક્ષેત્રે પ્રેરણાદાયી પહેલ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન આપી રહી છે.

Limbu

સરકારી નોકરી છોડી ખેતી કરી

મૂળ જૂનાગઢના વતની કમલેશભાઇ ડોબરિયાએ એમસીસી ઇન ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કરી સુરેન્દ્રનગરમાં જ જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવી હતી, પરંતુ સમય જતાં સરકારી નોકરીને તિલાંજલિ આપી પરંપરાગત ખેતી તરફ વળી હાલ લાખો રૂપિયાની આવક રળી રહ્યા છે. ખેતીમાં તેઓ સતત અવનવા પ્રયોગ કરી રહ્યા છે, જેથી સફળતા પણ મળી રહી છે. ગાય આધારિત જૈવિક ખેતી કરવાથી ચીલાચાલુ ખેતી કરતાં આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉપરાંત બાગાયતી છોડના ઉછેર માટે વધારે ધ્યાન આપવું પડતું હોવાથી પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે સરકારની યોજનાનો લાભ લઇ 100 વીઘા જમીનમાં ડ્રિપ પાથરવામાં આવી છે.

See also  IIT Gandhinagar Recruitment 2022 For Various Post
dd
દર વર્ષે કમલેશભાઈ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહે છે.

16 વીઘા જમીનમાં દાડમની ખેતી કરી

બાગાયતી ખેતી અપનાવ્યા બાદ તો કમલેશભાઇએ ક્યારેય પાછળ વળીને જોયું જ નથી. દર વર્ષે તેઓ ખેતીમાં નવતર પ્રયોગો કરતા રહ્યા હતા. જૂન 2018માં તેમણે પ્રથમવાર 16 વીઘા જમીનમાં 2100 દાડમના રોપા વાવ્યા અને ત્યાર બાદ ક્રમશ: 2020માં 1900 રોપા તથા આ વર્ષે 700 નવા રોપાનું વાવેતર કર્યું હતું. વાવેતરમાં પ્રથમ વર્ષે જ તેમણે 16 વીઘા દાડમની આશરે 16 લાખ જેટલી આવક લીધી હતી. વર્ષ 2019માં બીજા બે નવતર પ્રયોગો કરતા તેમણે તેમની અન્ય જગ્યાએ આવેલી 18 વીઘા જમીનમાં પ્રથમવાર 750 કાગદી લીંબુના રોપા અને 20 વીઘા જમીનમાં 1950 જામફળના રોપાનું વાવેતર કર્યું હતું. એ પૈકી 1200 રોપા તાઇવાન પિન્ક જામફળના હતા. જામફળના વાવેતરના પ્રથમ વર્ષે પૂરતો ભાવ ન મળતાં જામફળની આશરે રૂ. 1.70 લાખની આવક થઇ હતી.

Da

2015માં દેશી સરગવાની સફળ ખેતી કરી

કમલેશભાઇ જણાવે છે, 2012 સુધી મેં પરંપરાગત પાકોનું વાવેતર કર્યું હતું. એ સમયે ઊપજ સારી મળતી હતી, પરંતુ તેની સાથે દવા, ખાતર અને બિયારણ સહિતના ખર્ચા પણ ખૂબ થતા હતા, જેને કારણે વધુ આવક હોવા છતાં પણ નફાનું પ્રમાણ નહિવત રહેતું. જ્યારે સજીવ ખેતીમાં ઊપજની સામે ખર્ચા ખૂબ જ ઘટી જતાં મને નફો સારો મળવા લાગ્યો હતો. સજીવ ખેતીમાં સારી સફળતા મળ્યા બાદ કમલેશભાઇએ બાગાયત ખેતીની દિશામાં પગરણ પાડ્યા અને 2015થી 2017 સુધી 20 વીઘા જમીનમાં દેશી સરગવાની સફળ ખેતી કરી હતી.

kamlesh
બાગાયતી ખેતીમાં દવા, ખાતર અને બિયારણ સહિતના ખર્ચા ખૂબ ઓછા થાય છે.

ખેડૂતો મુલાકાતે આવે છે

બાગાયતી ખેતીની સોડમ જાણે દૂર દૂર સુધી પહોંચી હોય એમ કમલેશભાઈના ખેતરની મુલાકાતે ખેડૂતો આવી રહ્યા છે. ખેડૂતો બાગાયતી ખેતી કરવા અંગે માર્ગદર્શન પણ મેળવે છે. ઘણા ખેડૂતોએ કમલેશભાઈ ડોબરિયા પાસેથી માર્ગદર્શન લઈને પોતાનાં ખેતરોમાં પણ બાગાયતી ખેતી શરૂ કરી છે. જેથી કમલેશભાઈની ખેતી અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે.