રાષ્ટ્રપતિ રાજપક્ષેએ સમાધાન શોધવા દરેક રાજકીય પક્ષને બોલાવ્યા, PM સાથે કરશે ખાસ બેઠક; આજે જ નવી કેબિનેટ શપથ લે એવી શક્યતા

શ્રીલંકા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકાની સ્થિતિ માટે સામાન્ય લોકોમાં પણ ખૂબ ગુસ્સો છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ દેશના દરેક રાજકીય પક્ષને આ સંકટમાં સમાધાન શોધવા માટે ‘યુનિટ ગવર્નમેન્ટ’માં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે. ન્યૂઝ એજન્સી AFP એ જણાવ્યું હતું કે રાજપક્ષેએ દરેક પાર્ટીને એકસાથે કામ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના મંત્રીમંડળના 26 મંત્રીએ તેમનાં પદ પરથી રાજીનામાં આપ્યા પછી શ્રીલંકામાં સંકટ વધી ગયું છે. નોંધનીય છે કે આજે વડાપ્રધાન મહિંદા રાષ્ટ્રપતિ ગોતાબાયા સાથે એક ખાસ બેઠક કરવામાં આવે છે. એ ઉપરાંત આજે જ નવી કેબિનેટ જાહેર કરવામાં આવે એવી પણ શક્યતા છે.

ઉકેલ શોધવા રાષ્ટ્રપતિએ વિપક્ષને પણ આમંત્રણ આપ્યું

રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ કહ્યું હતું કે શ્રીલંકામાં હાલ ઘણા આર્થિક અને વૈશ્વિક કારણોથી ઈમર્જન્સી લાદવી પડી છે. આ દેશ એશિયામાં અગ્રણી લોકતંત્રોમાંથી એક છે, તેથી આ મુદ્દાનો લોકતાંત્રિક રીતે જ ઉકેલ લાવવાની જરૂર છે. નાગરિકો અને આવનારી પેઢીના લાભ માટે આપણે સાથે મળીને રાષ્ટ્રહિતમાં કામ કરવું જરૂરી છે. શ્રીલંકામાં રાષ્ટ્રપતિએ સંસદમાં દરેક રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મંત્રીપદ આપવા અને રાષ્ટ્રીય સંકટનું સમાધાન શોધવા માટે સાથે મળીને કામ કરવા આમંત્રણ આપ્યું છે.

ઈમર્જન્સી વચ્ચે આખી કેબિનેટે રાજીનામું આપ્યું

રવિવારે મોડી રાતે આખી કેબિનેટે રાજીનામું આપી દીધું છે. આ વિશે શિક્ષણમંત્રી અને ગૃહના નેતા દિનેશ ગુણવર્ધને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિંદા રાજપક્ષેને બાદ કરતાં 26 કેબિનેટ મંત્રીએ તેમનાં પદ પરથી રાજીનામાં આપી દીધા છે. આ રાજીનામાં વડાપ્રધાન મહિંદાને સોંપવામાં આવ્યાં છે. જોકે તેમણે કેબિનેટના સામૂહિક રાજીનામાં વિશે કોઈ કારણ જણાવ્યું નથી.

શિક્ષણમંત્રી દિનેશ ગુણવર્ધને જણાવ્યું હતું કે અમે દેશની સ્થિતિ વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. ઈંધણ અને વીજળી સંકટનું સમાધાન નીકળે એવા સંજોગો છે. લોકોમાં સરકાર દેશની આર્થિક સ્થિતિ સંભાળી ના શકી એ માટે ખૂબ આક્રોશ છે.

શ્રીલંકાના કેન્દ્રીય ગર્વનરે પણ રાજીનામું આપ્યું

શ્રીલંકાના કેન્દ્રીય બેન્ક ગર્વનર અજીત નિવાર્ડ કાબરાલે સોમવારે રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે, આ રાજીનામું દરેક કેબિનેટ મંત્રીઓના રાજીનામા સાથે જોડાયેલું છે. કાબરાલે ટ્વિટ કરીને તેમના રાજીનામાની જાહેરાત કરી છે.

અમે લોકોના અધિકારીનો રક્ષા માટે: વિપક્ષ

કોલંબોમાં ગૃહમાં વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ કહ્યું હતું કે અમે લોકોના જીવવાના અધિકારની રક્ષા કરવા, તેમની આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક, નાગરિક અને અન્ય દરેક અધિકારની રક્ષા કરવા માટે છીએ. આ સરકારે લોકો પાસેથી તેમના પાયાના અધિકારો છીનવી રહી છે. તેથી અમે લોકોના અધિકારોની રક્ષા કરવા માટે છીએ.

પીએમના પુત્રએ સૌથી પહેલા રાજીનામું આપ્યું હતું

કેબિનેટમાંથી રાજીનામું આપતાં પહેલાં દેશના રમતગમતમંત્રી અને પીએમ રાજપક્ષેના પુત્ર નમલ રાજપક્ષેએ પોતાના તમામ હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. લગભગ એક કલાક પછી અન્ય મંત્રીઓએ પણ રાજીનામાં આપી દીધા હતા. કેબિનેટના રાજીનામાનો પત્ર હવે પીએમ પાસે છે, જે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેને સોંપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં નવી કેબિનેટની રચના કરવામાં આવશે.

650થી વધારે લોકોની ધરપકડ

પાટનગર કોલંબોમાં રવિવારે સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરતાં 650થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો આર્થિક સંકટના વિરોધમાં કર્ફ્યુ તોડીને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા હતા.

રાષ્ટ્રપતિએ ઈમર્જન્સીની જાહેરાત કરી હતી

શ્રીલંકામાં ગંભીર બનતી આર્થિક સમસ્યા વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમર્જન્સીની જાહેરાત કરી હતી. આદેશમાં કહેવામાં આવ્યું હતું કે દેશની સુરક્ષા તથા આવશ્યક સેવાઓના પુરવઠાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વધારવામાં આવી છે. શનિવારે રાજધાની કોલંબોમાં સેનાની દેખરેખ હેઠળ દુકાનો ખોલવામાં આવી હતી, જેથી લોકો તેમની આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરી શકે.