NASAને ક્રેશ થયેલી અજ્ઞાત સ્પેસશિપ જેવો કાટમાળ મળ્યો, રોવરના લેન્ડિંગ સમયે વપરાતાં સાધનો હોવાની ચર્ચા

નાસાના ડ્રોન હેલિકોપ્ટરે મંગળ ગ્રહ પર એલિયન સ્પેશિપના કાટમાળની તસવીરો શેર કરી છે. જેનું પ્રાથમિક અનુમાન એવું લગાવાઈ રહ્યું છે કે આ પરગ્રહવાસીની સ્પેસશિપની લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયેલો કાટમાળ હોઈ શકે છે. એટલું જ નહીં નાસાએ પણ આની તસવીરો શેર કરી છે અને આ અંગે વિગતવાર માહિતી આપી છે, તો ચલો આપણે આ ઘટના પર નજર કરીએ…

નાસાએ જણાવ્યું કે આ કાટમાળમાં શંકુ આકારનું બેક શેલ અને રોવર લેન્ડિંગ પેરાશૂટ જોવા મળ્યું હતું. ત્યારપછી આ મહિને એપ્રિલમાં નાસાએ તેની કલર તસવીરો શેર કરી છે.

‘અજ્ઞાત સ્પેસશિપ’ ક્રેશ થવાનું કારણ

નાસાએ આ સ્પેસશિપના ક્રેશ થવા મુદ્દે જણાવ્યું કે આ અત્યંત ઝડપથી મંગળ પર પ્રવેશતું હશે. તે સમયે ગુરુત્વાકર્ષણ બળ અને વધુ પડતા તાપમાનના પરિણામે આ સ્પેસશિપ જમીન પર ક્રેશ થઈ ગઈ છે. એટલું જ નહીં નાસાએ વધુમાં ઉમેર્યું છે કે આના કાટમાળથી અહીં લેન્ડ થવાથી લઈ કેવા પ્રકારની સ્પેસશિપ બનાવી શકાય એની માહિતી પણ મળી શકે છે. આની પાછળના એન્જિનિયરિંગની સહાયથી આગળ ઘણું સંશોધન પણ થઈ શકે છે.

નાસાએ પ્રકાશિત કરેલા રિપોર્ટમાં જણાવાયું છે કે આ પ્રમાણેનો કાટમાળ તેમને ફેબ્રુઆરી દરમિયાન મળી આવ્યો હતો.

નાસાના પૂર્વ પ્રિઝર્વન્સ સિસ્ટમ એન્જિનિયર ડો. ઈયાન ક્લાર્કે ન્યૂયોર્ક ટાઈમ્સને જણાવ્યું છે કે આ કાટમાળના અભ્યાસ પછી ઘણું સંશોધન થઈ શકે છે. એટલું જ નહીં આના દ્વારા મંગળ પર સુરક્ષિત લેન્ડિંગ કેવી રીતે કરવા તથા કેવા પ્રકારે સ્પેસશિપનું નિર્માણ કરવું એની માહિતી પણ મળી શકે છે. આ તમામ ડેટાબેઝ માર્સ રિટર્ન પ્લાનિંગમાં પણ અમને મદદરૂપ થઈ શકે છે. જોકે આ તમામ પાસાઓ સિવાય પણ જોવા જઈએ તો આ તસવીરો અદ્ભુત અને ચોંકાવનારી છે.