ગુજરાતમાં પાંચ વર્ષમાં રૂ.17.27 કરોડ મૂલ્યની 2 લાખથી વધુ નકલી નોટો ઝડપાઈ, દેશમાં ત્રીજું

  • નોટબંધી પછી પણ નકલી નોટનો ગોરખધંધો થંભ્યો નથી
  • વર્ષ 2017માં રાજ્યમાં સૌથી વધુ 9 કરોડ મૂલ્યની 81 હજાર નકલી નોટો પકડાઈ હતી
  • કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં માહિતી આપી

દેશમાં 8 નવેમ્બર, 2016ના રોજ સાંજે 8 વાગ્યે નોટબંધી લાગુ કરવાના મુખ્ય ઉદ્દેશ્યમાં નકલી નોટોના ગોરખધંધા પર કાબૂ મેળવવાનો હોવાનું કહેવાયું હતું. પરંતુ 2016થી 2020 સુધીના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના આંકડાઓ જોઈએ તો જાણી શકાય છે કે ગુજરાત અને દેશમાં નકલી નોટ પર હજુ કાબૂ નથી મેળવી શકાયો. ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં રૂ.17.27 કરોડ મૂલ્યની 2 લાખથી વધુ નકલી નોટો ઝડપાઈ છે. નકલી નોટ પકડાવવા મામલે ગુજરાત દેશમાં ત્રીજા નંબરે છે.

મહારાષ્ટ્રમાં આ સમયગાળમાં સૌથી વધુ 87.69 કરોડ મૂલ્યની 7 લાખથી વધુ નકલી નોટો ઝડપાઈ છે. આ મામલે દેશની રાજધાની દિલ્હી બીજા નંબરે છે. જ્યાં 19 કરોડ મૂલ્યની 3 લાખથી વધુ નકલી નોટો ઝડપાઈ છે. રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાંનદ રાયે માહિતી આપતા જણાવ્યું કે દેશમાં પાંચ વર્ષના સમયગાળામાં કુલ 180 કરોડ રૂપિયા મૂલ્યની નકલી નોટો ઝડપાઈ છે.

ગૃહરાજ્ય મંત્રીએ એનસીઆરબીના આંકડાઓને ટાંકતા ગૃહને રાજ્ય મુજબ નકલી નોટોને લઈ નોંધાયેલા કેસ અને ફરિયાદોની પણ માહિતી રજૂ કરી. ગુજરાતમાં 2016માં 68 કેસ નોંધાયા હતા. 2017માં 71, 2018માં 67, 2019માં 82 અને 2020માં 23 કેસ નોંધાયા છે. આમ પાંચ વર્ષમાં 311 કેસ કે ફરિયાદ નોંધાઈ છે.

રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછી નકલી નોટો 2020માં ઝડપાઈ

દેશમાં પાંચ વર્ષમાં કુલ રૂ.180 કરોડ મૂલ્યની નકલી નોટો ઝડપાઈ

2016થી લઈને 2020 સુધીના સમયગાળામાં દેશમાં સૌથી વધુ 92.18 કરોડ રૂપિયા મૂલ્યની 8.34 લાખ નકલી નોટો વર્ષ 2020માં ઝડપાઈ છે. નોટબંધી લાગુ થયાના વર્ષમાં 15.92 કરોડ મૂલ્યની, 2017માં 28.10 કરોડની, 2018માં 17.95 કરોડની અને 2019માં 25.39 કરોડ મૂલ્યની નકલી નોટો દેશભરમાંથી ઝડપાઈ હતી. આમ છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં દેશમાં કુલ રૂ. 179.53 કરોડ મૂલ્યની નકલી નોટો પકડાઈ છે.