ખરીદી કરવા ગયેલી બે મહિલા જીવ બચાવવા મકાનમાં છુપાઈ, આગ લાગતાં બૂમો પાડી તો પોલીસ આગની જ્વાળાઓમાં કૂદી પડ્યો

  • શનિવારે સાંજે હિન્દુવાદી સંગઠનની બાઈક રેલી પર પથ્થરમારાની ઘટના બાદ ઉપદ્રવીઓએ અનેક દુકાનો ફૂંકી મારી હતી

રાજસ્થાનના કરૌલી શહેરમાં શનિવારે સાંજે હિન્દુવાદી સંગઠનની બાઈક રેલી પર પથ્થરમારાની ઘટના બાદ ઉપદ્રવીઓએ અનેક દુકાનો ફુંકી મારી. માર્કેટમાં ખરીદી કરવા ગયેલી બે મહિલાઓ પોતાનો જીવ બચાવવા માટે નજીકના એક મકાનમાં છુપાઈ ગઈ હતી. મકાન પણ ચારેબાજુથી આગની જ્વાળામાં ઘેરાય ગયું તો મહિલાઓ અને તેની સાથે જે બાળક હતો તે પણ રડવા લાગ્યા. બાળકોનો અવાજ સાંભળીને કોન્સ્ટેબલ નેત્રેશ દોડ્યો અને બાળકને તેડીને બહારની તરફ ભાગ્યો. પાછળ-પાછળ મહિલાઓ પણ દોડી, ત્રણેય બચી ગયા. આખી ઘટના જાણીએ જાંબાઝ જવાન નૈત્રેશના મોઢે…

કરૌલી પોલીસ ચોકીમાં તહેનાત કોન્સ્ટેબલ નેત્રેશ શર્માએ જણાવ્યું કે બાઈક રેલી પર પથ્થરમારો અને દુકાનોમાં આગ લાગ્યા બાદ માર્કેટમાં ભારે અફરાતફરી મચી ગઈ. ચારે બાજુ આગ અને ધુમાડો જ દેખાતો હતો. આ વચ્ચે સાંજે લગભગ 6:30 વાગ્યે ફુટાકોટ પર હું પોલીસ પાર્ટી સાથે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

મહિલાના બાળકને તેડીને આગની વચ્ચે નીકળતો કોન્સ્ટેબલ નેત્રેશ શર્મા.

ફુટાકોટ પર બે બંગડીની દુકાન પણ સળગતી હતી. દુકાનની બાજુનું એક મકાન ચારે બાજુથી આગની જ્વાળામાં ઘેરાય ગયું હતું. મકાનમાંથી બે મહિલાઓ અને એક બાળકના રડવાનો અવાજ આવી રહ્યો હતો. બાળક જોર જોરથી રડી રહ્યો હતો. મહિલા બૂમો પાડી રહી હતી કે કોઈ મારા બાળકને બચાવે. મારા કાનમાં આ અવાજ પડ્યો તો મેં જોયું કે મહિલાઓ આગની જ્વાળા વચ્ચે ઘેરાઈ ગઈ હતી. હું દોડીને ત્યાં પહોંચ્યો અને બાળકને એક કપડાંમાં ઢાંકી દીધો. મહિલાઓને કહ્યું હું બાળકને તેડીને બહાર ભાગું છું તમે પણ મારી પાછળ દોડજો. બાળકને તેડીને હું ઝડપથી આગની જ્વાળા વચ્ચે બહાર ભાગ્યો. મારી પાછળ-પાછળ બંને મહિલાઓ પણ દોડી. ત્રણેયના જીવ બચી ગયા. જે પછી મકાનથી થોડી સુરક્ષિત જગ્યાએ મેં તેમને છોડી દીધા. મહિલાઓએ આ માટે મારો આભાર પણ માન્યો.

પોલીસે ટ્વિટર હેન્ડર પર પ્રશંસા કરી

રાજસ્થાન પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી બે મહિલાઓ અને બાળકનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ નેત્રેશ શર્માનો ફોટો શેર કરીને તેની હિંમતને સલામ કર્યા છે.

રાજસ્થાન પોલીસે ટ્વિટર હેન્ડલ પર બે મહિલા અને એક બાળકનો જીવ બચાવનાર કોન્સ્ટેબલ નેત્રેશ શર્માની પ્રશંસા કરી છે.