વિદેશની ધરતી પર વતનના લોકોની મદદે આવતાં ગુજરાતીઓ, યુક્રેનથી રોમાનિયા પહોંચેલા લોકો માટે મસીહા બન્યાં

  • એમ્બેસી બધે ન પહોંચી શકતા વોલેન્ટિયર યુવકને જોઈને લોકોમાં જીવમાં જીવ આવ્યો
  • એક યુવકને યુક્રેનથી ગુજરાતીઓ પહોંચ્યા ખબર પડી તો બીજા યુવકો પણ મદદે રોમાનિયામાં જોડાયા

સમગ્ર વિશ્વ યુક્રેનની હાલત જોઈને ફફડી ઉઠ્યું છે. એક બાદ એક ધડાકા, આગ લાગેલી ઇમારત પોતાના ઘર છોડીને મેટ્રો સ્ટેશનમાં શરણ લેવી પડવી જેવા દ્રશ્ય સામાન્ય લોકોને હચમચાવી દે છે. પણ આટલી તકલીફની વચ્ચે આપણા વતનનું કોઈ મદદની વ્હારે આવે ત્યારે ખરેખર કોઈ મસીહા સામે આવ્યા હોય તેમ લાગવા લાગે છે. વિદ્યાર્થી યુક્રેનની અલગ-અલગ બોર્ડરથી ભારત આવવા લાગ્યાં ત્યારે રોમાનિયામાં 5 ભારતીય વોલેન્ટિયર ખરેખર દરેકના ચહેરા પર સ્મિત રેલાવવાનું નિમિત બન્યા છે. આ વિદેશમાં દેશવાસીઓને મદદ કરનાર એમ્બેસીના ખરા અર્થમાં વોરિયર્સ એવા પાંચેય ગુજરાતીઓએ દિવ્યભાસ્કરને મહત્વની વિગત જણાવી છે.

અનેક મુશ્કેલીઓ વેઠી કેટલાક વિદ્યાર્થીઓ રોમાનિયા પહોંચ્યા

અમદાવાદ સહિત રાજ્યના અલગ અલગ શહેરના વત્સલ મોદી, કેશવ પંડ્યા, આકાશ કાકા, મૌલિક બ્રહ્મભટ્ટ અને અજય શાહ નામના 5 યુવકો રોમાનિયામાં કેટલાક સમયથી રહે છે. યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ થતાં કેટલાક વિદ્યાર્થીઓ યુક્રેન બોર્ડર પર મુશ્કેલી વેઠીને રોમાનિયા પહોંચ્યા હતા. ભારત દેશના નાગરિકો રોમાનિયા પહોંચતા મૂળ ગુજરાતના યુવકો તરત જ બોર્ડર અને શેલ્ટર હાઉસ પહોંચ્યા હતા. યુવકોને રોમાનિયામાં ઇન્ડિયન એમ્બેસી દ્વારા આઈડી કાર્ડ તરીકે ટી શર્ટ આપવામાં આવી હતી જેનાથી તેઓ વોલેન્ટિયર તરીકે લોકોની મદદ કરતા હતા.

ભારતીય વિદ્યાર્થીઓ હિન્દી કે ગુજરાતીમાં વાત કરતા

શેલ્ટર હાઉસમાં રહેતા ભારતીય નાગરિકો માટે ખાવા, પીવા અને કપડાંની વ્યવસ્થા કરી હતી. ભારતીય વિદ્યાર્થીઓ હોવાથી તેમની સાથે હિન્દી કે ગુજરાતીમાં વાત કરતા હતા. વિદ્યાર્થીઓએ કોઈ તકલીફ પડે તો તેમની મદદ કરતા હતા. ઉપરાંત એરપોર્ટમાં જ્યારે પહોંચે ત્યારે આ યુવકો દ્વારા એરપોર્ટમાં લાઈનમાં ના ઉભું રહેવું પડે તે માટે બોર્ડિંગ અને લગેજ મૂકવા સુધીની મદદ કરતા હતા. કેટલાક લોકો સાથે પેટ ડોગ અને કેટ લાવ્યા હતા. તેમને પણ પરત ઇન્ડિયા લઇ જવા માટે મદદ કરી હતી.

રોમાનિયામાં નોકરી કરતાં યુવાઓએ બાકીના સમયે મદદ કરી

આ યુવકો રોમાનિયામાં નોકરી કરતા હોવાથી અલગ-અલગ સમયે નોકરી કરીને સવાર, બપોર અને સાંજે શેલ્ટર હાઉસ અને એરપોર્ટમાં ઈમિગ્રેશન સુધી પહોંચીને મદદ કરતા હતા. યુવકો પાસે ટી શર્ટ હોવાથી તેમને રોકવામાં પણ આવતા નહોતા. રવિવારથી અત્યાર સુધી આ યુવકોએ 800થી વધુ લોકોને બોર્ડિંગ અને લગેજ માટે તથા શેલ્ટર હોમમાં અનેક લોકોને મદદ કરી છે. ખાવા પીવા માટે કેટલીક વખત પોતાના ખર્ચે પણ વ્યવસ્થા કરી છે. હજુ પણ આ યુવકો ભેગા મળીને ભારતીય નાગરિકોની મદદ કરી જ રહ્યા છે.

રોમાનિયા રહેતો વત્સલ ઉત્સાહભેર એરપોર્ટ દોડી ગયો

વત્સલ મોદીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ખબર પડી કે ઈન્ડિયન્સ રોમાનિયા પહોંચ્યા છે. ત્યારે હું રવિવારે એરપોર્ટ પહોચી ગયો હતો. અહીં આવતા મને મારા જેવા અન્ય યુવકો મળ્યા હતા. જે લોકોની મદદે આવ્યા હતા. જે બાદ તેમની સાથે વાત કરીને ઇન્ડિયાના લોકોને મદદ કરવાનું શરૂ કર્યું હતું. હવે અમે એક ફેમિલીની જેમ સાથે રહીને બધાની મદદ કરીએ છીએ. અમને આનંદ છે કે, અમે દેશના નાગરિકોની બીજા દેશમાં મદદ કરી રહ્યા છે. હજુ જ્યાં સુધી લોકો આવતા રહેશે ત્યાં સુધી અમે મદદ કરતા રહીશું.