સરકારે 22 YouTube ચેનલ બ્લોક કરી, દેશવિરોધી કન્ટેન્ટ માટે 4 પાકિસ્તાની ચેનલ પર પણ પ્રતિબંધ

મિનિસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગે IT નિયમ 2021 અંતર્ગત ઈમર્જન્સી પાવરનો ઉપયોગ કરીને 22 યુ-ટ્યૂબ ચેનલ, ત્રણ ટ્વિટર એકાઉન્ટ, એક ફેસબુક એકાઉન્ટ અને એક ન્યૂઝ વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. બ્લોક કરવામાં આવેલી YouTube ચેનલ્સ પાસે કુલ 260 કરોડ વ્યૂઅરશિપ હતી. આ એકાઉન્ટ્સ અને ચેનલ્સનો ઉપયોગ ખૂબ સંવેદનશીલ અને ભારતની સુરક્ષા, વિદેશનીતિ અને પબ્લિક ઓર્ડર સાથે જોડાયેલા ફેક ન્યૂઝ અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવવા માટે કરવામાં આવતો હતો.

ભારતીય YouTube ચેનલ્સ પર એક્શન

આઈટી રૂલ્સ 2021ના આધાર પર આવું પહેલીવાર થયું છે, જ્યારે ભારતીય યુ-ટ્યૂબ ચેનલ્સ પર પગલાં લેવામાં આવ્યાં છે. નોંધનીય છે કે સરકારે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં આઈટી રૂલ્સ 2021ના રોજ નોટિફિકેશન જાહેર કર્યું હતું. લેટેસ્ટ બ્લોકિંગ ઓર્ડર અંતર્ગત 18 ભારતીય અને 4 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચેનલ્સ બ્લોક કરવામાં આવી છે.

આ યુ-ટ્યૂબ ચેનલ્સનો ઉપયોગ ફેક ન્યૂઝ ફેલાવવા માટે કરવામાં આવતો હતો. ખાસ કરીને ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર જેવા મુદ્દા પર નકલી પોસ્ટ આ ચેનલ પર કરવામાં આવતી હતી. વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા ભારતવિરોધી કન્ટેન્ટને પણ બ્લોક કરવામાં આવ્યાં છે. તપાસમાં જોવા મળ્યું છે કે ભારતીય યુ-ટ્યૂબ ચેનલ્સ દ્વારા યુક્રેનની સ્થિતિ વિશે ઘણી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી છે. બીજા દેશો સાથે ભારતના સંબંધોને પ્રભાવિત કરવાની ઈચ્છાથી આ ચેનલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.

ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી

બ્લોક કરવામાં આવેલી યુ-ટ્યૂબ ચેનલ્સમાં ઘણી ટીવી ચેનલ્સના લોકો દ્વારા ટેમ્પલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચેનલ્સે તેમની પોસ્ટના થમ્બ નેલમાં ઘણા ટીવી એન્કર્સની તસવીરોનો પણ ઉપયોગ કર્યો છે, જેને કારણે વ્યક્તિને ગેરમાર્ગે દોરી શકાય છે. અમુક ચેનલ્સ પર ભારત વિરુદ્ધ ફેક ન્યૂઝ પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવતા હતા.

ગયા વર્ષે ડિસેમ્બરથી એટલે કે ડિસેમ્બર 2021થી અત્યારસુધી મિનિસ્ટ્રીએ 78 યુ-ટ્યૂબ ચેનલ્સ બ્લોક કરી છે. એની સાથે જ ઘણાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યાં છે. આ એકાઉન્ટ દ્વારા દેશની સુરક્ષા અને પબ્લિક ઓર્ડરના મુદ્દે ખોટી માહિતી ફેલાવવામાં આવતી હતી.

કઈ ચેનલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

  • ARP News, AOP News, LDC News, Sarkari Babu, SS ZONE Hindi, Smart News, News23 Hindi, Online Khabar, DP news, PKB News, Kisan Tak, Borana News, Sarkari News Update, Bharat Mausam, RJ ZONE 6, Exam Report, Digi Gurukul, દિન ભર કી ખબરે…

કઈ પાકિસ્તાની ચેનલ બ્લોક કરાઈ

  • Duniya Mery Aagy, Ghulam Nabi Madni, HAQEEQAT TV, HAQEEQAT TV 2.0

વેબસાઈટ

  • Dunya Mere Aagy

સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ

  • ટ્વિટર- Ghulam Nabi Madni, Dunya Mery Aagy, Haqeeqat TV
  • ફેસબુક- Dunya Mery Aagy