બાળકોમાં વધતા કોરોના સંક્રમણે ડરાવ્યા, હોસ્પિટલમાં દાખલ દર 4માંથી એક દર્દી બાળક, શું આવી ગઈ ચોથી લહેર?

છેલ્લા કેટલાક દિવસથી દેશમાં કોરોના કેસમાં થઈ રહેલા વધારાએ ચોથી લહેરની આશંકા વધારી દીધી છે. આ વખતે બાળકોના સંક્રમિત થવાના દરે ચિંતા વધારી દીધી છે. દિલ્હીમાં કોરોનાના લીધે દાખલ દર્દીઓમાંથી 27% બાળકો છે. જ્યારે દિલ્હીને સ્પર્શતા નોઈડા અને ગાઝિયાબાદમાં પણ સ્કૂલોના અનેક વિદ્યાર્થીઓ સંક્રમિત હોવાના સમાચાર છે.

જ્યારે દેશમાં 11 સપ્તાહોમાં ઘટાડા પછી પ્રથમવાર કોરોનાના કેસો વધ્યા છે. રાજધાની દિલ્હી, હરિયાણા, યુપીમાં પણ ગત સપ્તાહે કેસોમાં ઝડપથી વધારો થયા પછી દેશમાં ફરીથી એક નવી લહેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

એવામાં ચાલો સમજીએ કે શું દેશમાં વધી રહેલા કેસો છે ચોથી લહેરનો સંકેત? શા માટે બાળકો થઈ રહ્યા છે વધુ સંક્રમિત? આખરે ફરીથી કેમ વધી રહ્યા છે કેસ? કયો વેરિએન્ટ છે આનું કારણ? શું છે બચવાના ઉપાય?

આખરે બાળકો કેમ થઈ રહ્યા છે ઝડપથી કોરોના સંક્રમિત ?

દિલ્હી-એનસીઆરમાં હાલના દિવસોમાં કોરોના કેસો વધતી વખતે બાળકો પણ ઝડપથી સંક્રમિત થવાના કેસ સામે આવ્યા છે.

  • દિલ્હીમાં કોરોનાના લીધે દાખલ દર્દીઓમાંથી 27% બાળકો છે. દિલ્હીમાં અત્યારે કુલ 51 કોરોના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જેમાંથી 14 બાળકો છે.
  • જ્યારે 18 એપ્રિલે નાઈડોમાં 107 કોરોના કેસ સામે આવ્યા, જેમાંથી સ્કૂલોના 33 બાળકો છે. નોઈડામાં અત્યાર સુધીમાં કોરોનાથી 100 બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે. નોઈડાની સાથે જ ગાઝિયાબાદમાં પણ અનેક સ્કૂલોના બાળકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.
  • બાળકો ઝડપથી સંક્રમિત થવાનું કારણ શું છે? અમે આ સવાલ મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાંત લહરિયાને પૂછ્યું તો તેમણે કહ્યું, ‘બાળકો કોરોનાથી સંક્રમિત થવા પર ગભરાવાની જરૂર નથી. જ્યારે શાળાઓ બંધ હતી ત્યારે પણ બાળકો સંક્રમિત થતા હતા, હવે સ્કૂલો ખૂલતા કેસ રિપોર્ટ થઈ રહ્યા છે, તેથી કેસ વધુ સામે આવી રહ્યા છે.”
  • ડો. લહારિયાએ કહ્યું કે બાળકોનાં સંક્રમણને સ્કૂલો ઓપન થવા સાથે જોડીને જોવામાં આવે એ અયોગ્ય છે.
  • એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બાળકો કોરોના સંક્રમિત થવા પર પણ તેઓમાં હળવા લક્ષણો હોય છે અને તેઓ જલદી સ્વસ્થ થઈ જાય છે. તેમણે એલિજિબલ બાળકોને વેક્સિન મૂકાવવાની સલાહ આપી.
  • એક રિપોર્ટ અનુસાર, ICMRના સમીરન પાંડા કહે છે કે 1-7 વર્ષના બાળકો પણ કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ છે પરંતુ તેઓમાં ગંભીર બીમારી અને મોતનું જોખમ ઘણું ઓછું રહે છે. તેમણે બાળકોને સ્કૂલમાં માસ્ક પહેરવા અને પોતાનું ભોજન શેર કરવાથી દૂર રહેવા સલાહ આપી.
  • જ્યારે ડોક્ટર્સ કહે છે કે મોટાભાગના કેસોમાં કોરોનાથી બાળકોમાં હળવા લક્ષણો હોય છે અને તેનાથી તેમને ગંભીર બીમારી થતી નથી અને તેઓ ઘરે જ સ્વસ્થ થઈ જાય છે.
  • કોરોનાથી બાળકોની હોસ્પિટલમાં દાખલ થવા પર ડોક્ટર્સ કહે છે કે તેમાંથી મોટાભાગનાને અગાઉથી કોઈ બીમારી હતી.
  • નાના બાળકોમાં કોરોના સંક્રમણના શરૂઆતના લક્ષણોમાં ઉલટી પછી ખૂબ તાવ અને ઝાડાના લક્ષણો હોય છે. જ્યારે મોટા બાળકોમાં મોટાભાગે સતત માથું દુઃખવાની ફરિયાદ હોય છે.
  • કોરોનાની અત્યાર સુધીની ત્રણેય લહેરો દરમિયાન બાળકો પર સંક્રમણની વધુ અસર પડી નહોતી.

11 સપ્તાહ પછી દેશમાં વધેલા કોરોનાના કેસ

દેશમાં ત્રીજી લહેર દરમિયાન 17-23 જાન્યુઆરીએ સૌથી વધુ 3.47 લાખ ડેઈલી કેસ નોંધાયા પછીથી કોરોના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો.

  • 11 સપ્તાહો પછી ગત સપ્તાહે એટલે કે 11-17 એપ્રિલ દરમિયાન પ્રથમવાર દેશના કોરોના કેસોમાં વધારો નોંધાયો.
  • દેશમાં 11-17 એપ્રિલ દરમિયાન 6610 નવા કેસ નોંધાયા, જે 04-10 દરમિયાન આવેલા 4900 ડેઈલી કેસોનાં મુકાબલે 35% વધુ છે.
  • ભારતમાં છેલ્લા એક સપ્તાહથી 1000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં 17 એપ્રિલે 2183 અને 18 એપ્રિલે 1247 નવા કેસ નોંધવામાં આવ્યા.
  • નવા કેસો વધવા છતાં મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો અને આ દરમિયાન દેશમાં કોરોનાથી 27 લોકોનાં મોત થયા, જે તેના ગત સપ્તાહના 54 મોતથી ઓછા છે.
  • આ દરમિયાન થયેલા મોતની સંખ્યા છેલ્લા બે વર્ષ એટલે કે 23-29 માર્ચ 2020 દરમિયાન સૌથી ઓછા છે.
  • દેશનો રિકવરી રેટ 98.76% થઈ ગયો છે. જ્યારે ડેઈલી પોઝિટિવિટી રેટ 0.31% અને વીકલી પોઝિટિવિટી રેટ 0.34% છે.

દિલ્હી, હરિયાણા, યુપીમાં નવા કેસો 100%થી વધુ વધ્યા

દેશના ત્રણ રાજ્યો દિલ્હી, હરિયાણા, યુપીમાં પણ ગત સપ્તાહે ડેઈલી કોરોના કેસોમાં 100 ટકાથી વધુનો વધારો નોંધાયો.

  • દિલ્હીમાં ગત સપ્તાહે (11-17 એપ્રિલ) 2307 કોરોના કેસ સામે આવ્યા, જે એક સપ્તાહ અગાઉના 943 કેસોની તુલનામાં 145% વધુ છે.
  • દિલ્હીમાં છેલ્લા સતત બે દિવસ 500થી વધુ કેસ નોંધાયા છે. 17 એપ્રિલે 517 અને 18 એપ્રિલે 501 કેસ નોંધાયા.
  • દિલ્હીમાં 18 એપ્રિલે પોઝિટિવિટી રેટ વધીને 7.72% થઈ ગયો, જે એક દિવસ અગાઉ 4.21% હતો.
  • જ્યારે આ દરમિયાન હરિયાણામાં પણ કેસોમાં વધારો નોંધાયો અને 1119 નવા કેસો સામે આવ્યા, જે એક સપ્તાહ પહેલા આવેલા 514 કેસોની તુલનામાં 118% વધુ છે.
  • જ્યારે આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં એક સપ્તાહ અગાઉના 224 કેસોની તુલનામાં ગત સપ્તાહે 540 કેસ નોંધાયા, જે 141% વધુ છે.
  • હરિયાણા અને યુપીમાં નવા કેસોમાંથી મોટાભાગના એનસીઆર શહેરો, એટલે કે હરિયાણાના ગુડગાંવ અને યુપીમાં નોઈડા અને ગાઝિયાબાદમાં સામે આવ્યા.
  • જ્યારે કર્ણાટક, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં વીકલી કેસોમાં વધુ પરિવર્તન નજરે પડ્યું નથી. ગુજરાતમાં ગત સપ્તાહના 115ના મુકાબલે આ સપ્તાહે 110 કેસો સામે આવ્યા, જ્યારે રાજસ્થાનમાં ગત સપ્તાહના 67ના મુકાબલે આ સપ્તાહે 90 કેસ સામે આવ્યા.

શું દેશમાં આવી ગઈ છે ચોથી લહેર ?

દેશમાં કોરોના કેસો વધવાથી ચોથી લહેરની ચર્ચા શરૂ થઈ ગઈ છે. સવાલ એ સર્જાઈ રહ્યો છે આખરે ફરીથી કોરોના કેસો વધવાનું કારણ શું છે? આ જ સવાલનો જવાબ 3 એક્સપર્ટ્સ પાસેથી જાણવાની કોશિશ કરી.

પોતાના સ્ટેટિસ્ટિકલ મેથડથી દેશમાં 22 જૂન સુધી ચોથી લહેર આવવાની ભવિષ્યવાણી કરનારા IIT કાનપુરના પ્રોફેસર શલભે ચોથી લહેર અંગે કહ્યું, ‘એમ કહેવું ઉતાવળભર્યું ગણાશે કે કેસોમાં વધારો ચોથી લહેરનો સંકેત છે.’

શું ભવિષ્યમાં ચોથી લહેર આવી શકે છે એવા સવાલના જવાબમાં પ્રો. શલભે કહ્યું, ‘તેની સંભાવના વધુ છે.’

કોરોના અંગે અનેક સચોટ ભવિષ્યવાણી કરનારા IIT કાનપુરના પ્રોફેસર મણીન્દ્ર અગ્રવાલે ચોથી લહેરની સંભાવના વિશે કહ્યું, ‘અત્યારે ચોથી લહેર આવવાની કોઈ સંભાવના મને જણાતી નથી.’

મહામારી વિશેષજ્ઞ ડોક્ટર ચંદ્રકાંત લહરિયાએ કહ્યું, ‘આ ચોથી લહેરનો સંકેત નથી. કેસો વધતા-ઘટતા રહેશે. પરંતુ અત્યારે નવી લહેરની સંભાવના નથી. કેમકે દેશમાં અત્યારે ઓમિક્રોન અને તેના સબ-વેરિએન્ટ BA.1, BA.2 જ ડોમિનન્ટ વેરિએન્ટ છે, એક જ વેરિએન્ટથી બે લહેર ન આવી શકે.’

શું છે દેશમાં ફરીથી કોરોના કેસો વધવાનું કારણ

દેશમાં ફરીથી કોરોના કેસો વધવા અંગે પ્રો. મણીન્દ્રએ કહ્યું, ‘તમામ પ્રતિબંધો હટી ગયા છે, ઓફિસો ખુલી ગઈ છે, બાળકો સ્કૂલે જવા લાગ્યા છે. પ્રતિબંધો હટવાના કારણે જ કેસો વધ્યા છે.’

ડો. લહરિયાએ કહ્યું, ‘કેસો વધવાનું કારણ પ્રતિબંધો હટ્યા એ છે. લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા લાગ્યા છે અને ખુદ જ ટેસ્ટ કરાવી રહ્યા છે, તેથી પણ કેસો વધ્યા છે.’

પ્રો. શલભે કહ્યું, ‘આ ત્રીજી લહેર પછીનો ઉતાર-ચઢાવ છે, જે કારણથી હાલમાં જ અનેક યુરોપિયન દેશોમાં પણ કેસો અચાનક વધવા લાગ્યા હતા.’

સરકારે 31 માર્ચથી દેશમાં કોરોના પ્રતિબંધો ખતમ કરી દીધા હતા અને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા પર દંડની જોગવાઈ ખતમ કરી દેવાઈ હતી.

દેશમાં કોરોના કેસો માટે કયો વેરિએન્ટ જવાબદાર ?

દેશમાં ઓમિક્રોનના કારણે ત્રીજી લહેર આવી હતી. Ourworldindata ના ડેટા અનુસાર, એપ્રિલ સુધી દેશમાં નવા કોરોના કેસોમાંથી 100% માટે ઓમિક્રોન જવાબદાર હતો.

  • છેલ્લા કેટલાક મહિનાઓમાં ઓમિક્રોનનો સબ-વેરિએન્ટ BA.2 કે સ્ટેલ્થ ઓમિક્રોન ભારત સહિત સમગ્ર દુનિયમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
  • છેલ્લા કેટલાક દિવસોમાં દુનિયામાં સામે આવેલા કુલ કોરોના કેસોમાંથી લગભગ 94 % માટે BA.2 જ જવાબદાર હતો.
  • નિષ્ણાતોના અનુસાર, ભારતમાં અત્યારે BA.2 કે સ્ટેલ્થ ઓમિક્રોન જ ડોમિનન્ટ વેરિએન્ટ છે અને મોટાભાગના નવા કેસો માટે જવાબદાર છે.
  • ઓમિક્રોનનો BA.2 સબ સ્ટ્રેન ઓમિક્રોનના ઓરિજિનલ સ્ટ્રેનથી દોઢ ગણો વધુ ચેપી છે. ચીન અને અનેક યુરોપિયન દેશોમાં હાલના દિવસોમાં કેસો વધવા પાછળ BA.2 જ જવાબદાર છે.
  • BA.2 વધુ ચેપી હોવાના કારણે જ દેશના કેટલાક હિસ્સાઓમાં કેસ વધી રહ્યા છે, પરંતુ તેના લક્ષણો હળવા હોવાથી ગંભીર બીમારીના કેસો કે મોતની સંખ્યામાં વધારો થયો નથી.
  • BA.2માં ઓમિક્રોનના ઓરિજિનલ સ્ટ્રેનની તુલનામાં સ્પાઈક પ્રોટીનમાં કેટલાક યુનિક મ્યુટેશન છે, જેનાથી તેને RT-PCR ટેસ્ટમાં પકડવો મુશ્કેલ હોય છે, તેથી તેને સ્ટેલ્થ ઓમિક્રોન કે છૂપો ઓમિક્રોન કહેવામાં આવે છે.
  • જ્યારે હાલમાં જ ગુજરાતમાં નવા વેરિએન્ટ XE અને મુંબઈમાં આ જ વેરિએન્ટનો એક શંકાસ્પદ કેસ મળ્યા પછી આ નવા વેરિએ્ટના જોખમની પણ ચર્ચા થઈ રહી છે.
  • XE ઓમિક્રોનના જ સબ-વેરિએન્ટ BA.1 અને BA.2 મળીને બનેલો રિકોમ્બિનન્ટ વેરિએન્ટ છે.
  • WHOના અનુસાર, XE વેરિએન્ટ ઓમિક્રોનના સૌથી ચેપી મનાતા ઓમિક્રોનના સબ-વેરિએન્ટ BA.2 કરતાં પણ 10 % વધુ ચેપી છે.

કોરોનાથી બચાવ માટે શું છે જરૂરી ?

કોરોનાના કોઈપણ વેરિએન્ટથી બચવા માટે કોવિડ પ્રોટોકોલનું પાલન જ સૌથી સારો ઉપાય છે. એટલે કે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને વેક્સિનેશન કરાવવું જ કોરોનાથી બચાવનો સૌથી સારો ઉપાય છે. પ્રો. શલભ કહે છે કે લોકોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ.

જ્યારે ડો. લહેરિયા કહે છે, ‘હેલ્ધી અને વેક્સિનેટેડ લોકો માટે પ્રતિબંધો ન હોવા જોઈએ અને ફેસ માસ્ક ફરજિયાતના બદલે સ્વૈચ્છિક હોવા જોઈએ. માત્ર 60+ વયના લોકો, અનવેક્સિનેટેડ અને જૂની બીમારીથી પીડાતા લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને ભીડવાળી જગ્યાઓ પર જવાથી દૂર રહેવું જોઈએ.’