જમીનથી 33 ફૂટ ઊંચે દોડનારી બુલેટ ટ્રેનમાં બેઠા પહેલાં કરો 350 કિ.મી.ની હાઇસ્પીડનો અહેસાસ, બે મિનિટમાં વલસાડથી સાબરમતી સુધીની સફર

  • તમામ નદી પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે
  • નર્મદા, તાપી, મહી નદી પર પિલરો અને પાયાની કામગીરી પૂર્ણ

અમદાવાદ-મુંબઈ વચ્ચે હાઈસ્પીડ બુલેટ ટ્રેનનો પ્રોજેકટ ચાલી રહ્યો છે. 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેનને કલાકના 350 કિ.મી.ની ગતિએ દોડાવીને ટ્રાયલરન લેવાનો છે, જોકે ગુજઅપડેટ્સ દ્વારા પહેલીવાર અત્યારે ગુજરાતમાં વલસાડથી સાબરમતી સુધીના 352 કિ.મી. રૂટ પરની કામગીરીનો રિયલ ટાઈમ ડ્રોન નજારો પ્રસ્તુત કરાયો છે. સમગ્ર રૂટની લાઈવ કામગીરીનો આ ડ્રોન વીડિયો તમને માત્ર 2 મિનિટમાં 352 કિ.મી.ની સફર કરાવશે.

જુઓ બુલેટ રૂટના એકેએક પિલરને વીડિયોમાં

બુલેટ ટ્રેનની હાલ ચાલી રહેલી કામગીરીના અવિસ્મરણીય ડ્રોન નજારામાં ગુજઅપડેટ્સ તેના વાચકોને વલસાડથી સાબરમતી સુધી બનેલા એકેએક પિલરને દેખાડે છે. આ ઉપરાંત નવસારી, સુરત, ભરૂચ, વડોદરાના કાસ્ટિંગ યાર્ડ પણ એમાં દર્શાવવામાં આવ્યા છે. હાઈસ્પીડ બુલેટ ટ્રેનમાં બેઠા પછી કેવો અહેસાસ થશે એને આ વીડિયોમાં તાદૃશ પ્રસ્તુત કરાયું છે.

સુરત-અમદાવાદ સ્ટેશનને જોઈ આંખો પહોળી થઈ જશે

બુલેટ ટ્રેનમાં આમ તો અમદાવાદથી મુંબઈ વચ્ચે 12 સ્ટેશન બનવાનાં છે, પરંતુ એમાંથી હાલ સાબરમતી અને સુરત સ્ટેશનની કામગીરી નોંધપાત્ર તબક્કા સુધી પૂર્ણ થઈ છે. આ બંને સ્ટેશનના ડ્રોન નજારાને જોઈને જ તમારી આંખો પહોળી થઈ જશે અને બની ગયા પછી આ સ્ટેશન કેટલા ભવ્ય લાગશે એનો અહેસાસ અત્યારથી જ થઈ જાય છે. 502 કિલોમીટરના બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે ગુજરાતમાં 99 ટકા જમીન-સંપાદન થઈ ગયું છે અને કામગીરી પુરજોશમાં ચાલુ છે.

ગુજરાતમાં હશે બુલેટ ટ્રેનનાં આઠ સ્ટેશન

ગુજરાતમાં 352 કિલોમીટરના રૂટ પર બુલેટ ટ્રેન દોડવાની છે, જેમાં વાપી, બીલીમોરા, ભરૂચ, સુરત, વડોદરા, આણંદ-નડિયાદ અમદાવાદ અને સાબરમતી એમ 8 સ્ટેશન આવશે. ગુજરાતમાં સાબરમતી તેમજ સુરત ખાતે બુલેટ ટ્રેનના કોચ માટે ડેપો બનાવવામાં આવશે. NHSRCL ના જણાવ્યા મુજબ દેશનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન સુરતમાં બનીને તૈયાર થશે અને 2023 સુધીમાં ઉદઘાટન કરવામાં આવશે. 2027થી સુરત અને બીલીમોરા સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે.

નર્મદા-તાપી-મહી-સાબરમતી નદી પર સૌથી મોટું કામ

બુલેટ ટ્રેન ગુજરાતમાં નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદી પરથી પસાર થવાની છે. આ તમામ નદી પર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નર્મદા, તાપી, મહી નદી પર પિલરો અને પાયાની કામગીરી થઈ ગઈ છે. સાબરમતી નદી પર જમીનની કામગીરી ચાલી રહી છે. સાબરમતી ટોરેન્ટ પાવર પાસે બુલેટ ટ્રેનનું પેસેન્જર ટર્મિનલ હબ બનાવવામાં આવી રહ્યું છે, જેની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે.