ડેન્ગ્યુના મચ્છરનું ATO Z:કાર્બનડાયોક્સાઇડથી મચ્છરો આકર્ષાય છે, 75 ફૂટથી માણસની ગંધ પારખી જાય છે !

ગુજરાતભરમાં દિવસના સમયે અને એમાંય વિશેષતઃ સૂર્યાસ્ત પહેલાં અને સૂર્યોદય પછીના બે કલાક દરમિયાન વધુ કરડતા એડિસ ઈજિપ્ટી પ્રકારના મચ્છરાને કારણે ડેન્ગ્યુ તાવના કેસોમાં અનેકગણો વધારો આ વર્ષે આવ્યો છે. કોરોના વાઇરસનો ચેપ માણસથી માણસમાં પ્રસરે એમ ડેન્ગ્યુ વાઇરસનો ચેપ માણસથી મચ્છરમાં અને મચ્છરથી માણસમાં પ્રસરે છે. આ મચ્છરોને વસતિ વધારવા, એક્ટિવ (કરડવા માટે) રહેવા 16થી 28 સે.વચ્ચેનું તાપમાન અનુકૂળ હોય છે અને એથી વધુ કે ઓછા તાપમાનમાં એ મૃતપ્રાય થાય છે અને હાલ ગુજરાતમાં આવું હવામાન હોય અને એમાં ઉપરથી ભારે વરસાદથી છીછરા, ચોખ્ખા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ હજુ એકાદ માસ જારી રહેવાની સંભાવના તબીબો જણાવે છે.                                                                                                                                                                                                                                                                                                                                            ભારતમાં 250 પ્રકારના મચ્છરો છે
ધરતી પર મચ્છરોની 3000 જાત છે અને ભારતમાં 250 પ્રકારની, એમાં ગુજરાતમાં માત્ર 23 પ્રકારના મચ્છરો હોય છે પરંતુ આ પ્રકારોમાં ડેન્ગ્યુ ફેલાવતા અને ઘર-ઓફિસમાં બંધિયાર છીછરા પાણીમાં પેદા થતા એડિસ ઈજિપ્ટી પ્રકારના મચ્છર સૌથી ખતરનાક હોય છે, જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર રોગ ફેલાવે અને મુખ્યત્વે દિવસે કરડે છે. જ્યારે ઓનોફિલીઝ મચ્છરો મલેરિયા ફેલાવે છે અને એ કેસો હાલ નહિવત્ નોંધાય છે. ત્રીજો મુખ્ય પ્રકાર ક્યુલેક્સ મચ્છરોનો છે, જે ગટર, ખાબોચિયાંના ગંદા પાણીમાં પેદા થાય છે અને સૌથી મોટા કદના તથા સૌથી વધુ ડંખ મારનારા હોય છે, જેનાથી હાથીપગો ફેલાય, પણ પણ એના વાઇરસ હાલ સક્રિય નથી, તેથી એ મચ્છરો ન્યૂસન્સ મચ્છરો ગણાય છે.                                                                                                                                                                                                                                                                                                                                                          મચ્છર કરડી ગઈ એ શબ્દપ્રયોગ સાચો                     
ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરોની વિગતો રસપ્રદ છે. આ પ્રકારના નર જાતિના મચ્છરો તો ફૂલ અને પાંદડાંનો રસ ખાઈ પેટ ભરી લે છે, મનુષ્યને કરડતા નથી, પરંતુ માત્ર માદા મચ્છરો જ મનુષ્યનું લોહી પીવા કરડે છે. રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ આ અંગે માહિતી આપતાં કહે છે, એક વાર ડંખ મારે એટલે માત્ર 0.1 મિમી લોહી મનુષ્યના શરીરમાંથી ખેંચે છે, પરંતુ એ દરમિયાન જો આ મચ્છર કોઈ ડેન્ગ્યુ દર્દીને કરડીને સાજા માણસને કરડે એટલે તેને ચેપ ફેલાવે છે. આમ, વ્યાકરણ મુજબ મચ્છર કરડી ગયો કે કરડી ગયું એ નહીં, પણ મચ્છર કરડી ગઈ એ શબ્દપ્રયોગ સાચો છે!                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                  આ મચ્છરનું આયુષ્ય માત્ર 30 દિવસનું હોય છે
મનુષ્યને 32 દાંત હોય છે ત્યારે મચ્છરને 70 દાંત હોય છે. નદી-ગટરમાં પેદા થતા મચ્છર 3 કિ.મી.દૂર સુધી જઈ શકે પણ ડેન્ગ્યુના મચ્છર માત્ર 300 મીટર સુધી જ દૂર જઈ શકે છે, અર્થાત્ એક શેરી-લત્તાનું મચ્છર બીજી શેરીમાં જતું નથી! માદા મચ્છર માટે માણસોને કરડવું તે જીવનનો સવાલ છે. આ મચ્છરનું આયુષ્ય માત્ર 15-20 દિવસનું હોય છે પરંતુ, એટલા જીવનમાં તે 10થી 12 વાર અને દરેક વખતે એક સાથે 150-200 ઈંડા મુકે છે, જેનો નાશ ન થાય કે ન કરાય તો દરેક ઈંડામાંથી 7થી 12 દિવસમાં અનુક્રમે લાર્વા, પ્યુપા અને પુખ્તમચ્છર બની જાય છે અને આ મચ્છરની મા જો ડેન્ગ્યુથી ચેપગ્રસ્ત હોય તો તે મચ્છર પણ ડેંગ્યુ ફેલાવે છે!                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                               જોયા વગર તે માણસ સુધી પહોંચીને કરડે
ઘર-ઓફિસમાં ડેન્ગ્યુના મચ્છરને નરી આંખે ઝીણવટથી જુઓ તો ઓળખી શકાય છે, ક્યુલેક્સ મચ્છર સપાટીને સમાંતર ખૂંધ કાઢીને બેસે, મલેરિયા ફેલાવતા ઓનોફિલીઝ મચ્છર 45 ડીગ્રીએ ખૂણો બનાવીને બેસે ત્યારે એડિસ મચ્છર સપાટીને સમાંતર બેસે છે. વળી, જાણકારો કહે છે કે મચ્છર 75 ફૂટ દૂરથી માણસની ગંધ,શ્વાસ પારખી જાય છે અને આંખ નહીં હોવા છતાં જોયા વગર તે માણસ સુધી પહોંચીને કરડે છે.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                     આ ઈંડાં એક વર્ષ સુધી જીવી શકે   

આ મચ્છરોનો ત્રાસ ક્યારે ઓછો થશે? મનપા સૂત્રો કહે છે કડકડતી ઠંડી પડે, 16 સે.થી નીચે તાપમાન જાય અને ટકે ત્યારે એક તો મચ્છરો નિષ્ક્રિય થવા લાગે છે અને બીજું લોકો આંખી બાંયના વસ્ત્રો પહેરતાં હોય છે ત્યારે ડેન્ગ્યુનો ફેલાવો ઘટે છે. આમ, એક-દોઢ માસ હજુ ખતરો વધુ રહેશે અને કડકડતી ઠંડીમાં એ ઘટશે. આ ઉપરાંત ઉનાળામાં જ્યારે 40 સે.એ તાપમાન પહોંચે ત્યારે પણ આ મચ્છરોને કરડવાનું કામ અશક્યવત્ બની જાય છે. અલબત્ત, મચ્છરે જ્યાં ઈંડાં મૂક્યાં હોય ત્યારે એની સઘન સફાઈ ન થઈ હોય તો આ ઈંડા એક વર્ષ સુધી જીવી શકે અને વરસાદનું પાણી મળે ત્યારે ફરી જીવિત થઈને બહાર આવી શકે છે.

મચ્છર કોને વધુ કરડે એ અંગે કેટલાંક તારણો નીચે મુજબ છે

  • બ્લડ ગ્રુપ O ધરાવનારને અન્ય કરતાં વધુ કરડે છે.
  • મચ્છરો કાર્બનડાયોક્સાઈડ વાયુથી સચેત થઈ જાય છે, જ્યાંથી એ આવે એ ભણી ધસે છે, મોટી ઉંમરના લોકોના ઉચ્છવાસમાં બાળકો કરતાં એનું પ્રમાણ વધુ હોય, તેથી પ્રૌઢો, વૃદ્ધો, સગર્ભાને મચ્છર કરડવાની શક્યતા વધુ છે.
  • મચ્છર કરડવાથી ઈમ્યુનિટી ઓછી હોય તેને બીમાર થવાની શક્યતા વધુ છે.
  • મચ્છરો બ્લૂ રંગથી આકર્ષાય છે, આથી મોસ્ક્વિટો કિલિંગ મશીનમાં બ્લૂ લાઈટ રાખી હોય એને આકર્ષાય છે.