ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પોલીસકર્મી હરેશભાઈ માળી એ દિવ્યાંગ ઉમેદવારને ઊંચકીને પરીક્ષારૂમમાં બેસાડ્યો

  • પોલીસકર્મીની માનવતાના સોશિયલ મીડિયામાં ભરપૂર વખાણ થઈ રહ્યા છે
  • થોડા દિવસો અગાઉ રાપરનાં લેડી કોન્સ્ટેબલ વૃદ્ધાને 5 કિમી સુધી ખભે ઊંચકીને ચાલ્યાં હતા

આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજાઇ હતી. જેમાં ડીસામાં પોલીસની માનવતાના દર્શન થયા હતા. ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પોલીસકર્મીએ દિવ્યાંગને ઊંચકી લઈ જતાનો વીડિઓ વાયરલ થયો છે.

પોલીસકર્મીની માનવતાના સોશિયલ મીડિયામાં ભરપૂર વખાણ

બનસકાંઠાના ડીસા એક પોલીસકર્મીએ સેવા સુરક્ષા અને શાંતિનું હકીકત સાર્થક કરી બતાવ્યુ છે. આજે રાજ્યભરમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી. ત્યારે ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વિકલાંગ ઉમેદવારને પોલીસકર્મી હરેશ માળીએ ઊંચકીને પરીક્ષારુમમાં બેસાડ્યા હતા. પોલીસકર્મીની માનવતાના સોશિયલ મીડિયામાં ભરપૂર વખાણ થઈ રહ્યા છે.

પોલીસ કર્મી હરેશકુમાર કેસાજી માળીએ માનવતા મહેકાવી

ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હરેશકુમાર કેસાજી માળીએ ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પરીક્ષા આપવામાં આવેલા એક વિકલાંગ યુવકને ઊંચકીને પરીક્ષારૂમમાં બેસાડયા હતા. આ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પોતાના ટ્વીટર પર ટ્વિટ કર્યો છે. ગુજરાત પોલીસ સેવા સુરક્ષા શાંતિને હકીકતમાં સાર્થક કરી બતાવે છે, પોલીસ નાગરિકો, સિનિયર સિટીઝનો અને વિકલાંગ લોકો માટે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ ખડે પગે રહે છે. પોલીસ કર્મીની આ કામગીરીને ડીસાના ડીવાયએસપી કૌશલ ઓઝાએ બિરદાવી છે.

લેડી કોન્ટેબલ વૃદ્ધાને ઉંચકીને 5 કિ.મી ચાલ્યા હતા.

રાપરના લેડી કોન્સ્ટેબલે વૃદ્ધાને ઉંચક્યાં હતા

થોડા દિવસો અગાઉ વિશ્વ પ્રસિદ્ધ હડપ્પન સંસ્કૃતિના અવશેષો ધરાવતા ખડીર દ્વીપમાં આવેલા ધોળાવીરાથી 10 કિ.મી દૂર ભંજડા દાદાના મંદિરે તાજેતરમાં મોરારિબાપુની રામકથા યોજાઈ હતી. આ દરમિયાન કથા બહાર પણ એક સદકાર્યનો પ્રસંગ બન્યો હતો, જેમાં કથામંડપથી દૂર દુર્ગમ સ્થળે આવેલા મંદિરે એક શ્રદ્ધાળુ માજી દર્શન કરવા પહોંચી ગયાં હતાં. ત્યાં ડુંગરનાં પગથિયાં ચડતી વેળાએ તેઓ ચક્કર ખાઈને પડી ગયાં હતાં. આ બાબતની બંદોબસ્તમાં રહેલાં લેડી કોન્સ્ટેબલને થતાં તેમણે દુર્ગમ સ્થળે પહોંચી માજીની પ્રાથમિક સારવાર કરીને પાંચ કિલોમીટર પોતાના શરીરે ઊંચકી માજીને સલામત રીતે લઈ આવ્યાં હતાં. વિરાટ રણમાં આકરા તાપ વચ્ચે મહિલા પોલીસકર્મીએ માનસકથાને સાર્થક કરી બતાવી હતી.