9 DySPને બે મહિનાથી પોસ્ટિંગ જ ન મળતાં પગાર અટવાઈ ગયો, ફરિયાદ કરી તો સાહેબે કહ્યું, ‘લોન લઈ લો’

  • ઘર ચલાવવામાં પણ તકલીફ પડતાં ગાંધીનગર જઈને DySPએ ફરિયાદ કરી
  • પોસ્ટિંગ મળશે પછી જ પાછલી અસરથી પગાર ચૂકવાશે, ત્યાં સુધી એડજસ્ટ કરી લેવાની સલાહ

“સાહેબ, બે-બે મહિનાથી પગાર નથી થયો. ઘરના EMIના હપ્તા ચઢી ગયા છે, છોકરાની સ્કૂલમાં બે મહિનાથી ફી મંગાવ-મંગાવ કરે છે, પણ આપી શકતી નથી. પ્લીઝ.. કોઈ રસ્તો બતાવો.. હવે શું કરવું મારે?” આ શબ્દો કોઈ ખોટ કરતી ફેક્ટરીના કર્મચારીના નથી કે જે મેનેજર પાસે બાકી પગારની ઉઘરાણી કરતા હોય. આ શબ્દો DySP થયેલા એક પોલીસ અધિકારીના છે. આમના જેવા કુલ 9 DySP એવા છે કે જેમને બે મહિના પહેલા બદલી થઈ છે, પરંતુ પોસ્ટિંગ ન મળવાને કારણે નિયમ મુજબ પગાર જમા થતો નથી.

વેઈટિંગ ફોર પોસ્ટિંગ- 9 DySPની કફોડી હાલત:

ગત 25 જાન્યુઆરીના રોજ 57 DySPની બદલી કરાઈ હતી. આમાંથી 9ને વેઈટીંગ ફોર પોસ્ટિંગ રાખવમાં આવ્યા છે. મતલબ કે આ 9 અધિકારીની જૂની જગ્યાએથી બદલી થઈ ગઈ પણ નવી કઈ જગ્યા એ નક્કી જ નથી. હવે સરકારનો નિયમ એવો છે કે, બદલી થાય તે પછી નવી જગ્યાનું પોસ્ટિંગ મળે તે પછી જ પગાર છૂટો થાય છે. જો કે, પગાર જે તારીખે બદલી થઈ ત્યારની પાછલી અસરથી મળે છે.

ગાંધીનગર હોમ વિભાગમાં ફરિયાદ કરવી પડી:

આ સમગ્ર બાબતથી પરેશાન કેટલાક DySP ગાંધીનગર ગૃહ વિભાગના એક અધિકારી પાસે પહોંચ્યા હતા. ત્યાં જઈને આ DySPએ જવાબદાર અધિકારીને રીતસર કાકલૂદી કરી હતી. એક DySPએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, સાહેબ, અમારું પોસ્ટિંગ વેઈટિંગમાં છે જેના લીધે બે મહિનાથી પગાર થયો નથી. અમે પણ પગારથી જ ઘર ચલાવીએ છીએ અને ખર્ચા કાઢવા મુશ્કેલ થઈ ગયા છે. અમારી પણ જવાબદારીઓ છે, ફરજો છે અને પેમેન્ટ કરવા પડે છે.

ઉપરીનો જવાબ સાંભળી DySP ચોંકી ઉઠ્યા:

પોતાની સમસ્યા લઈને પહોંચેલા DySPએ કહ્યું હતું કે, પગાર નહીં થવાને લીધે અમારા EMI ચડી ગયા છે. અમારે પણ સ્કૂલમાં બાળક ની ફી ભરવાની છે અને બે મહિનાથી ઉઘરાણી થાય છે. હવે શું કરીશું, તમે જ કહો? જેથી આ અધિકારીએ કહ્યું કે, નિયમ પ્રમાણે જ્યાં સુધી પોસ્ટિંગ ના થાય ત્યાં સુધી પગાર થઈ શકે નહીં. પોસ્ટિંગ થશે ત્યારે પાછલી તારીખથી પગાર મળી જશે. બીજું કંઈ કરી શકું તેમ નથી તેમ છતાં તમે જો વધારે તકલીફમાં હોતો તમે સ્ટાફ વેલ્ફેર ફંડમાંથી લોન લઈ લો!

જાન્યુ.માં 57 DySPની સાથે જ આ 9ની બદલી થઈ હતી:

ગુજરાતમાં ગત 25 જાન્યુઆરી, 2022ના રોજ એક સાથે 57 DySPની બદલી કરાઈ હતી. આ બદલીની ઘણા સમયથી રાહ જોઈ રહેલા અધિકારીઓમાં ખુશીની લહેર હતી. પણ આ બધાની વચ્ચે 9 DySPને પોસ્ટિંગ જ ન મળતા તેમની આર્થિક હાલત બે મહિનાથી કફોડી થઈ ગઈ છે. હવે તેમને નવી જગ્યાએ નિમણૂક મળતી નથી, જેના લીધે તેઓનો પગાર રોકી દેવામાં આવ્યો છે.

પોસ્ટિંગ થતાં જ પગાર થઈ જશેઃ એડિ. ડીજી બ્રિજેશકુમાર:

આ અંગે દિવ્ય ભાસ્કરે એડિશનલ ડીજી, એડમીન, બ્રિજેશકુમાર ઝાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલ 9 જેટલા DySP વેઈટીંગ ફોર પોસ્ટીગ છે અને હાલ તેમનો પગાર બંધ છે. પરંતુ જ્યારે તેમના પોસ્ટિંગ થશે ત્યારે ડયુ ડેટથી એટલે કે બદલી થયાની તારીખથી તેમનો પગાર થઈ જશે.