પંજાબમાં 15 દિવસમાં લેવાયા 7 મોટા નિર્ણયો: શિક્ષણ-રોજગારી-ખેડૂતોથી લઈને ધારાસભ્યો માટે બદલાયા નિયમો

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માન મુખ્યમંત્રી બન્યા પછી એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તાજેતરમાં જ તેમણે ખાનગી શિક્ષણ ક્ષેત્રે પણ એક મહત્વનો નિર્ણય છે. તેમાં તેમણે કહ્યું છે કે, કોઈ પણ ખાનગી સ્કૂલ હવે ગમે ત્યારે ફિ વધારી શકશે નહીં, આ ઉપરાંત તેઓ વાલીઓને કોઈ ફિક્સ દુકાનેથી બુક્સ કે યુનિફોર્મ લેવા માટે પણ ફરજ પાડી શકશે નહીં. સ્વાભાવિક રીત વધતા જતા શિક્ષણના ખર્ચે સમયે માનનો આ નિર્ણય આવકારજનક છે. આ ઉપરાંત ભગવંત માનને સત્તામાં આવે 15 જ દિવસ થયા છે અને આ દરમિયાન તેમણે રોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂતો અને ધારાસભ્યોને મળતાં પેન્શન વિશે પણ મહત્વના નિર્ણયો લીધા છે.

નોંધનીય છે કે, ભગવંત માને 16 માર્ચે શપથ લીધા અને 17 માર્ચે જ તેમણે સૌ પ્રથમ એન્ટી કરપ્શન વોટ્સએપ નંબર જાહેર કરવાની જાહેરાત કરી હતી. તો આવો જાણીએ કે આટલા ઓછા સમયમાં ભગવંત માને કયા મહત્વના નિર્ણયો લીધા છે….

1) કોઈ લાંચ માંગે તો ના ન પાડશે:-

શપથ લીધાના બીજા જ દિવસે 17 માર્ચે પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોટી જાહેરાત કરી હતી. માને આ દિવસે ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન નંબર જાહેર કરરવાની જાહેરાત કરી હતી.

આ હેલ્પલાઈન નંબર 23મી માર્ચે શહીદ ભગતસિંહની પુણ્યતિથિ પર જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ, દિલ્હીની AAP સરકારે લાંચ માંગનારના ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ પણ માંગ્યા હતા. ત્યારથી ત્યાં લાંચનો અંત આવ્યો હતો. માને કહ્યું હતું કે અમે આવનારા દિવસોમાં આવા જ લોકોને ઉપયોગી હેલ્પલાઈન નંબર જાહેર કરવાના છીએ. કરી રહ્યા છીએ.

23 માર્ચે ભગવંત માને 9501-200-200 વોટ્સએપ નંબર લોન્ચ કર્યો હતો. તેમણે કહ્યું કે આ મારો વોટ્સએપ નંબર હશે. જો કોઈ લાંચ માંગે, તો ના પાડશો નહીં, ફક્ત તેને રેકોર્ડ કરો અને મને મોકલો. જે પણ દોષિત હશે, તે ભ્રષ્ટાચારીઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.

2) ખાનગી શાળાઓ ફી નહીં વધારી શકે; કોઈ ખાસ દુકાનથી જ પુસ્તક-ડ્રેસ ખરીદવા દબાણ ના કરી શકે:-

ભગવંત માને મુખ્યમંત્રી બન્યાના 14માં દિવસે જ શિક્ષણ ક્ષેત્રમાં મોટો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓની ફી અંગે મહત્વનો નિર્ણય કર્યો છે. ખાનગી શાળાઓ ફીમાં વધારો કરી શકશે નહીં. આ સાથે CM ભગવંત માને કહ્યું છે કે કોઈ પણ શાળા કોઈ ખાસ દુકાનથી પુસ્કત અને ડ્રેસ ખરીદવા માટે પણ દબાણ કરી શકશે નહીં. આ નિર્ણય બાદ બાળકોના માતાપિતાને ઘણી રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે CM માન પંજાબમાં શિક્ષણના ક્ષેત્ર ઉપર વિશેષ ધ્યાન આપી રહ્યા છે.

સરકારનો આ આદેશ તાત્કાલિક રીતે અમલી બન્યો છે. મીડિયા અહેવાલ પ્રમાણે શિક્ષણ વિભાગ તરફથી સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ શાળા આ આદેશનું પાલન નહીં કરે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત CM માને પંજાબ યુનિવર્સિટીને દેવામાંથી મુક્ત કરવાની વાત કહી હતી. આ સાથે તેમણે ખાતરી આપી છે કે શાળા તથા કોલેજોના શિક્ષણને લગતા તમામ પડતર પ્રશ્નોનોનો જલ્દીથી ઉકેલ મેળવવામાં આવશે. અમારા યુવકોને રાજ્યમાં પોતાની ક્ષમતાને પ્રદર્શિત કરવા માટે પૂરતી તક મળશે,જેથી સમાજના આદર્શ નાગરિક બની શકે.

3) હવે ઘરે બેઠા રાશન મળશે:-

દિલ્હીની જેમ જ હવે પંજાબમાં પણ જો તમે સરકારી રાશન માટે કોઈપણ ડેપોમાં જવા માંગતા નથી તો તમને ઘરે બેઠા આ સુવિધા આપવામાં આવશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને 21 માર્ચે આ નિર્ણયની જાહેરાત કરી હતી. જોકે આ યોજના વૈકલ્પિક છે જેમને રાશનની તાત્કાલિક જરૂર છે તેઓ નજીકના ડેપો પર જઈને રાશન લઈ શકે છે. તેમણે કહ્યું કે આ યોજના હેઠળ લોકોને ઓફિસમાંથી ફોન કરવામાં આવશે અને પછી જ્યારે તેઓ ઘરે ઉપલબ્ધ હશે ત્યારે તેમને રાશન પહોંચાડવામાં આવશે.

ભગવંત માને કહ્યું ‘આઝાદીના 75 વર્ષ પછી પણ આપણા ગરીબ ભાઈ-બહેનો જીવનજરૂરી હક્કના રાશન માટે કતારમાં ઉભા છે. આજે આપણે આ સિસ્ટમ બદલવા જઈ રહ્યા છીએ. હવે આપણી વૃદ્ધ માતાઓને રાશન માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું નહીં પડે. કોઈએ તેમની દૈનિક મજૂરી છોડવી પડશે નહિ. આજે તમારી સરકારે નક્કી કર્યું છે કે તમને તમારૂં રાશન તમારા ઘરે પહોંચાડાશે.

4) એક ધારાસભ્ય-એક પેન્શન:-

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પૂર્વ ધારાસભ્યોને હવે ફક્ત એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે તેવી જાહેરાત કરી છે. માને એક વીડિયો મેસેજમાં કહ્યું છે કે પંજાબમાં પૂર્વ ધારાસભ્ય ભલે 5 વખત કે 10 વખત ચૂંટણી જીત્યા હોય તેમને હવે ફક્ત એક જ કાર્યકાળ માટે પેન્શન મળશે. તેમણે કહ્યું કે તેનાથી જે બચત થશે તે પૈસા લોકોના કલ્યાણ માટે ખર્ચાશે.

મુખ્યમંત્રી માને કહ્યું હતું કે ધારાસભ્ય સહિત આપણા રાજનેતા તમારાથી હાથ જોડીને એમ કહીને વોટ માગે છે કે તમારી સેવાની અમને બસ એક તક આપો. પણ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ત્રણ વખત, ચાર વખત કે પાંચ વખત જીતનારા અનેક ધારાસભ્યોને અને પછી ચૂંટણી હારી જનારા કે ચૂંટણી લડવા માટે ટિકિટ ન મળ્યા બાદ પણ તેમને દર મહિને લાખો રૂપિયા પેન્શન મળે છે.

MLAને એક કાર્યકાળ માટે રૂ. 75,000 મળે છે ધારાસભ્યને એક કાર્યકાળ માટે 75,000 રૂપિયા પેન્શન મળે છે. તેના પછી આગળના દરેક કાર્યકાળ માટે વધારાની 66 ટકા પેન્શનની રકમ મળે છે. થોડા દિવસ પહેલાં શિરોમણી અકાલી દળના વરિષ્ઠ નેતા પ્રકાશસિંહ બાદલે કહ્યું હતું કે તે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન નહીં લે. તે 11 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

5) 35 હજાર કર્મચારીઓ કાયમી થશે:-

મુખ્યમંત્રી માને ગ્રુપ સી અને ડીના 35 હજાર કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત પણ કરી છે. તેમણે મુખ્ય સચિવને સંવિદા રોજગાર પ્રથા રોકવાનો પણ આદેશ આપ્યો છે. આગામી વિધાનસભા સત્રમાં માન સરકાર કર્મચારીઓને નિયમીત કરવાનું બિલ રજૂ કરશે.

6) 25 હજાર સરકારી નોકરીઓની જાહેરાત:-

ભગવંત માને પંજાબ કેબિનેટની પહેલી બેઠકમાં જ રોજગારીને લગતો એક મહત્વનો નિર્ણય લીધો હતો. તેમણે કેબિનેટ બેઠકમાં 25 હજાર સરકારી કર્મચારીઓ આપવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. સરકાર પંજાબ પોલીસ વિભાગમાં 10 હજાર અને અન્ય સરકારી વિભાગોમાં ખાલી 15 હજાર ખાલી જગ્યાઓ ભરશે.

7) ખેડૂતોને પહેલાં વળતર પછી સર્વે:-

26 માર્ચે સીએમ ભાગવંત માને જાહેરાત કરી કે, રાજ્યમાં ક્યારેય પણ પ્રાકૃતિક આપદા આવશે અને ખેડૂતોના પાક બરબાદ થશે તો ખેડૂતોને પહેલાં વળતર આપવામાં આવશે અને ત્યારપછી સર્વેની પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આ જાહેરાત કપાસના ખેડૂતોને વળતર આપતી વખતે કરી હતી